ગાંધીનગર, રાજ્યના ૩૩ જિલ્લામાં પૈકીના તાપી અને ડાંગ સિવાયના ૩૧ જિલ્લામાં એક પણ લાયસન્સ વિના ગેરકાયદેસર મીટ શોપ ચાલતી ના હોવાનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે વિધાનસભામાં લેખિતમાં માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર જેવાં મહાનગરોમાં એક પણ ગેરકાયદેસર મીટ શોપ ચાલતી ન હોવાની બાબત કંઈક અંશે ઉડીને આંખે વળગે તેવી છે. ગુજરાત વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના વિવિધ વિસ્તારના ધારાસભ્યો દ્વારા રાજ્યના જુદા જુદા ૩૧ જિલ્લામાં લાઇસન્સ વિના ગેરકાયદેસર રીતે ચાલતી મીટશોપ અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ સવાલ ઉઠાવ્યા હતા. જેમાં તેમણે સવાલ કર્યો હતો કે, તા. ૩૦-૦૬-૨૦૨૦ ની સ્થિતિએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, આણંદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, વલસાડ અને નવસારી જિલ્લામાં ધી ફૂડ સેફટી સ્ટાન્ડર્ડઝ (લાયસન્સિંગ એન્ડ રજીસ્ટ્રેશન ) રેગ્યુલેશન્સ -૨૦૧૧ અન્વયે લાયસન્સ ન હોય તેવી કેટલી મીટ શોપ, ચીકન શોપ, પોલ્ટ્રી શોપ કેટલા સમયથી ચાલી રહી છે? અને ઉક્ત લાયસન્સ ન હોય તેવી મીટ શોપ, ચીકન શોપ, પોલ્ટ્રી શોપ ચલાવી લેવાના શા કારણો છે.

આ ધારાસભ્યોના જવાબમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, ઉક્ત સ્થિતિએ ઉક્ત જિલ્લામાં લાયસન્સ વિનાની એક પણ મીટ શોપ, ચીકન શોપ અને પોલ્ટ્રી શોપ ચાલતી નથી. જેના કારણે અન્ય પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ અંગેના સવાલો કોંગ્રેસના ધારાસભ્યો સંતોકબેન આરેઠીયા, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, ભરતજી ઠાકોર, લાખાભાઈ ભરવાડ, સુરેશ પટેલ, ડો. અનીલ જાેષિયારા, રાજેશ ગોહિલ, ઋત્વિજ મકવાણા, લલિત કગથરા, લલિત વસોયા, પ્રવીણ મુસડિયા, વિક્રમ માડમ, ભીખાભાઈ જાેશી, વિમલ ચુડાસમા, કનુભાઈ બારૈયા, રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિ પરમાર, કાળાભાઈ ડાભી, અજીતસિંહ ચૌહાણ, મોહનસિંહ રાઠવા, ચંદ્રિકાબેન બારિયા, જશપાલસિંહ પઢિયાર, પ્રેમસિંહ વસાવા, સંજય સોલંકી, આનંદ ચૌધરી, સુનીલ ગામીત અને અનંત પટેલ દ્વારા પૂછવામાં આવ્યા હતા. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં લાયસન્સ વિના સેંકડો મીટ શોપ, ચીકન શોપ અને પોલ્ટ્રી શોપ ધમધમી રહી છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે રાજયના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં લેખિત જવાબ અપાયો છે કે, ૩૧ જિલ્લામાં એક પણ લાયસન્સ વિનાની ગેરકાયદેસર મીટ શોપ, ચીકન શોપ અને પોલ્ટ્રી શોપ ચાલતી નથી.