વડોદરા : શહેરમાં આજે સવારથી આંશિક વાદળિયા માહોલ વચ્ચે હળવા અમીછાંટણાં થયા બાદ બપોરે ધોધમાર વરસાદ થતાં ૧ ઈંચ વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી-પાણી થઈ ગયા હતા. સામાન્ય વરસાદમાં કેટલાક રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતાં પાલિકાની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે. 

છેલ્લા ત્રણ-ચાર દિવસથી હળવા વરસાદને બાદ કરતાં મેઘરાજાએ લગભગ વિરામભ પાળ્યો હતો. આજે સવારથી આંશિક વાદળિયા વાતાવરણ વચ્ચે બપોર સુધી છૂટાછવાય હળવા છાંટા થયા હતા. પરંતુ બપોરે દોઢ વાગ્યાની આસપાસ એકાએક ધોધમાર વરસાદ શરૂ થતાં કામ અર્થ બહાર નીકળેલા લોકો અટવાઈ ગયા હતા. લગભગ પોણો કલાક ધોધમાર વરસાદ થતાં રાવપુરા રોડ, એમ.જી. રોડ, જેલ રોડ, દાંડિયા બજર, ખંડેરાવ માર્કેટ પાછળનો વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.જાે કે, થોડો સમય વરસાદ ખાબકયા બાદ વરસાદનું જાેર ઘટયું હતું. પરંતુ રાત સુધી છૂટોછવાયો વરસાદ જારી રહ્યો હતો. પરંતુ એક ઈંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી-પાણી થઈ જતાં લોકોએ પાલિકાની કામગીરી સામે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે ૬ થી સાંજના ૬ વાગ્યા સુધી શહેરમાં રર મિ.મી., ડભોઈ તાલુકામાં ર૧ મિ.મી., જ્યારે વાઘોડિયા, શિનોર, કરજણમાં સામાન્ય વરસાદ થયો હતો.

વડોદરા શહેરમાં અત્યાર સુધી મોસમના ૧૦૩૫ મિ.મી. સરેરાશ વરસાદની સામે અત્યાર સુધી ૯૭૨ મિ.મી. એટલે કે, ૯૪ ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે. જ્યારે વડોદરા

જિલ્લાના મોસમના સરેરાશ વરસાદની સામે અત્યાર સુધી ૬૫૫ મિ.મી. એટલે કે ૭પ ટકા વરસાદ થઈ ગયો છે.