ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજાશે. સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે થીમ આધારિત વિવિધ જનહિતલક્ષી ફલેગશીપ યોજનાઓનો વ્યાપ વધારવા માટે રાજયભરમાં વિવિધ કાર્યક્રમો થકી રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનુ રાજય સરકારનુ આ જનહિત લક્ષી કાર્યક્રમોનું આયોજન છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહને આ કાર્યક્રમમાં સહભાગી થવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ નિમંત્રણ પાઠવ્યું છે.


કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઈન્સના સંપૂર્ણ પાલન સાથે આ કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત તારીખ 1 ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસ, 2 ઓગસ્ટ સંવેદના દિવસ, 3 ઓગસ્ટ અન્નોત્સવ દિવસ, 4 ઓગસ્ટ નારી ગૌરવ દિવસ, 5 ઓગસ્ટ કિસાન સન્માન દિવસ, 6 ઓગસ્ટ રોજગાર દિવસ, 7 ઓગસ્ટ વિકાસ દિવસ, 8 ઓગસ્ટ શહેરી જનસુખાકારી દિવસ અને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતા હેઠળ અને શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે 1 ઓગસ્ટના રોજ ‘જ્ઞાન શક્તિ દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે. 

 રાજ્યની 100 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા 51 ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહિત કુલ 151 કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 135 કરોડના ખર્ચે 3659 શાળાઓના તૈયાર થયેલા 12 હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે. રૂ. 95 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1050 શાળાના ઓરડાઓ, રૂ. 10 કરોડ 26 લાખના ખર્ચે તૈયાર થયેલા 71 પંચાયત ઘર, રૂ. 4 કરોડ 80 લાખના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ પણ કરાશે. રૂ. 35 કરોડના ખર્ચે નિર્મિત 256 માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ કરવામાં આવશે.