વડોદરા, તા.૧૦

અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામમંદિરમાં રામલલાની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જઈ રહ્યા છે. રેલવેતંત્ર દ્વારા પણ વિશેષ આસ્થા ટ્રેન ચલાવવામાં આવી રહી છે. વડોદરાથી શુક્રવારે બપોરે ૧૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓ સાથે વિશેષ આસ્થા ટ્રેન રવાના કરાઈ હતી. આ ટ્રેનમાં વડોદરા નજીક આવેલ સુંદરપુરા ગામના માજી સરપંચ પણ દર્શનાર્થે શ્રદ્ધાપૂર્વક જઈ રહ્યા હતા, તે દરમિયાન ખંડવા પૂર્વે ટ્રેનમાં તેમને હાર્ટએટેક આવતાં મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સાથીયાત્રિકો તેમજ સુંદરપુરા ગામમાં આ સમાચાર પહોંચતાં ગમગીની ફેલાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે બપોરે વડોદરા સ્ટેશનથી અયોધ્યા જવા વિશેષ આસ્થા ટ્રેન રવાના થઈ હતી, જેમાં ૧૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓમાં વડોદરા નજીક આવેલ સુંદરપુરા ગામના રમણભાઈ બાબુભાઈ પાટણવાડિયા (ઉં.વ.૬૭) પણ અયોધ્યા દર્શનાર્થે જઈ રહ્યા હતા. તેમની સાથે તેમનો પુત્ર અને ગામના અન્ય ૧૨ જેટલા લોકો હતા. ટ્રેનમાં સવાર શ્રદ્ધાળુઓમાં રામલલાના દર્શનાર્થે જવાનો અનેરો ઉત્સાહ જાેવા મળતો હતો. એસ-૧૩માં સવાર રમણભાઈ અને તેમના ગ્રૂપ તેમજ બોગીમાં સવાર ભક્તોએ રામધૂન કરીને સૂઈ ગયા હતા.

દરમિયાન મોડી રાત્રે ટ્રેન મધ્યપ્રદેશના ખંડવા નજીક પહોંચી હતી, તે પૂર્વે રમણભાઈ લઘુશંકા જવા ઊઠયા હતા. ત્યારે પરત આવી રહ્યા હતા તે દરમિયાન એકાએક ચક્કર આવતાં અન્ય એક યાત્રીએ પકડીને સૂવડાવી દીધા હતા. આ અંગેની જાણ નજીકના કોચમાં સવાર પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેને કરતાં તેઓ તરત જ અન્ય યાત્રિકો સાથે દોડી આવી સીપીઆર આપ્યો હતો, પરંતુ કોઈ પરિણામ મળ્યું ન હતું. દરમિયાન ખંડવા સ્ટેશને બેભાન થયેલા રમણભાઈને ઉતારીને સ્ટેશન પર તબીબોએ સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રમણભાઈનું મોત નીપજતાં ખંડવા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહને વડોદરા લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. રમણભાઈ બે ટર્મ સુંદરપુરાના સરપંચ રહ્યા હોવાનું જાણવા મળે છે.