વડોદરા, તા.૯ 

કરજણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં ચૂંટણીની વ્યૂહરચના ઘડવા આજે એપીએમસી કરજણ ખાતે બેઠક મળી હતી.

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય અક્ષય પટેલે કરજણ-શિનોર વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. ત્યાર બાદ અક્ષય પટેલ ભાજપામાં જાેડાયા હતા ત્યારે આ કરજણ-શિનોર બેઠક ખાલી પડતાં તેની પેટાચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ગતરોજ આ બેઠક પર પોતાનો ઉમેદવાર ઊભો કરી સરસાઈથી જીત મેળવવા માટે કોંગ્રેસે માજી રેલવેમંત્રી અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાની હાજરીમાં કરજણ-શિનોર ખાતે કાર્યકરો-હોદ્‌ેદારોની મિટિંગ યોજાઈ હતી. ત્યાર બાદ આજે ભાજપાના પેટાચૂંટણીના ઈન્ચાર્જ અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરજણ-શિનોર વિધાનસભા વિસ્તારના ભાજપાના હોદ્દેદારો સાથે કરજણ એપીએમસી ખાતે મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા, ભાજપાના પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ પ્રવકતા અને વડોદરા જિલ્લા પ્રભારી ભરત પંડયા, જિલ્લા ભાજપા પ્રમુખ દિલુભા ચૂડાસમાની હાજરીમાં મિટિંગનો દોર શરૂ કયોર્ હતો.

આજની મિટિંગમાં કરજણ તાલુકા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, તાલુકા મહામંત્રીઓ, હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ પેટાચૂંટણીની વ્યૂહરચના અંગે પ્રદીપસિંહ જાડેજાએ માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજની મિટિંગમાં કરજણ વિધાનસભા બેઠકના માજી ભાજપાના ધારાસભ્ય અને સુગરના ચેરમેન સતીષ નિશાળીયા હાજર હતા તેમજ કોંગ્રેસમાંથી ગુલાંટ મારી ભાજપામાં ગયેલા માજી ધારાસભ્ય અક્ષય પટેલ પણ હાજર રહ્યા હતા.