અમદાવાદ-

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધારો જાેવા મળી રહ્યો છે. સતત કોરોનાના પાંચ હજારથી વધારે નવા કેસ નોંધાઈ રહ્યા છે. શનિવારે નવા ૫૬૧૭ કેસ અને ૨૫ લોકોના મોત સાથે અત્યાર સુધીમાં કુલ ૧૨૭૩૧૬ કેસ ગત વર્ષના માર્ચથી નોંધાઈ ગયા છે.આ વર્ષે પહેલી માર્ચથી ૨૩ માર્ચ સુધીમાં શહેરમાં કુલ ૪૨૦૨ કેસ નોંધાયા હતા.જયારે આ મહિનાની પહેલી તારીખથી ૨૪ એપ્રિલ સુધીમાં ૫૪,૦૯૧ કેસ નોંધાયા છે.સ્થિતિ કેટલી હદે ગંભીર બની રહી છે એ આ આંક બતાવી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં શનિવારે નવા ૫૬૧૭ કેસ નોંધાતા શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૭,૩૧૬ કેસ નોંધાયા છે.કુલ ૧૫૮૫ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ ૮૦૭૨૩ લોકો સાજા થયા છે.શનિવારે ૨૫ લોકોના મરણ થતાં અત્યાર સુધીમાં કુલ ૨૬૯૪ લોકોના સંક્રમિત થવાથી મરણ થવા પામ્યા છે.શહેરમા નવા કેસ વધવાની સાથે એકિટવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે.૨૦ એપ્રિલે એકિટવ કેસની સંખ્યા ૨૩૯૯૫ હતી.૨૧ એપ્રિલે એકિટવ કેસની સંખ્યા ૨૭૭૨૭ હતી.૨૨ એપ્રિલે એકિટવ કેસની સંખ્યા ૩૧૬૦૭ હતી.૨૩ એપ્રિલે એકિટવ કેસની સંખ્યા ૩૫૭૫૦ હતી.૨૪ એપ્રિલે એકિટવ કેસની સંખ્યા ૩૯૮૯૨ હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર યાદીમાંથી જાણવા મળ્યું છે.

એપ્રિલમાં આવેલી કોરોનાની બીજી લહેર શહેર માટે ઘાતક પૂરવાર થઈ છે. પહેલી લહેરમાં સૌથી વધુ રોજિંદા કેસ ૨૧ નવેમ્બરે ૩૫૪ હતા. જ્યારે બીજી લહેરમાં શનિવારે ૫૬૧૭ કેસ નોંધાયા હતા. જે પહેલી લહેરના દૈનિક હાઈએસ્ટ કેસ કરતાં ૧૬ ગણા વધુ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૨૫ દર્દીના મૃત્યુ પણ થયા હતા. શહેરમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયાને ૧૩ મહિનાથી વધુ સમયમાં કુલ ૧,૨૭,૭૦૮ કેસ આવ્યા છે. જેમાં એપ્રિલના ૨૪ દિવસમાં ૫૮,૯૧૨ એટલે કે કુલ કેસના ૪૬ ટકા આવ્યા છે. લાંબા સમય પછી વિવિધ હોસ્પિટલોમાંથી ૧૫૮૫ દર્દીને રજા અપાઈ હતી. આજે પણ શહેરમાં અંદાજે ૪૦ હજાર એક્ટિવ કેસ છે. ખાનગી હોસ્પિટલોમાં ૫ આઈસીયુ અને ૫ વેન્ટિલેટર બેડ ખાલી છે. દરમિયાન આઈઆઈએમમાં મ્યુનિ. શનિવારે વધુ ૧૦૪ના ટેસ્ટ કર્યા હતા. જેમાંથી ૧૫ પોઝિટિવ આવ્યા હતા. સંસ્થામાં પોઝિટિવનો કુલ આંક ૪૦૨ થયો છે.