ઝાલોદ, દાહોદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ઇન્ચાર્જ બનાવાયા છે.તેમજ જિલ્લામાં ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહુર્તના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.જેમાં ઝાલોદ ખાતે ૧ કરોડ ૪૧ હજાર ખર્ચે નવીન નિર્માણ થનાર ડીવાયએસપી કચેરીનું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું.આ પ્રસંગે સંબોધન દરમિયાન પ્રદીપસિંહ જાડેજાએ ભાજપના આગેવાન હિરેન પટેલની હત્યા મામલે જણાવ્યું હતું કે,હિરેનભાઈની હત્યામાં સંડોવાયેલા તમામ લોકોને સજા થશે.તેમજ આ હત્યાની તપાસમાં કોઈ કચાશ રાખશે નહિ.આ ઘટનાની સમગ્ર તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ,સ્ટેટ એટીએસ અને સ્થાનિક પોલીસની મદદથી મહત્તમ તપાસ થઇ ચુકી હોવાનું કહ્યું હતું.તેમજ ગુજરાત સરકાર દ્વારા અમલ કરાયેલા ગુંડા એક્ટ,ભૂમાફિયા એક્ટ,ગો-રક્ષકના કાયદા સહીત રાજ્યના કાયદો અને વ્યવસ્થાની સમજ આપી હતી.આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર,અમિતભાઇ ઠાકર,જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા,બી.ડી વાઘેલા, ધારાસભ્ય રમેશ કટારા ,રેન્જ આઇજી,જિલ્લા પોલીસ વડા સહીત શહેર ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 

ઝાલોદ પાલિકાના સભ્ય અને ભાજપના અગ્રણી હિરેન પટેલની હત્યાને લઈને હાલમાં રાજ્યના અલગ-અલગ વિભાગોની પોલીસ હત્યાના કાવતરામાં સંડોવાયેલા અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે તપાસમાં જાેતરાયેલી છે.તેમજ ભાજપ આગેવાનની હત્યાને લઈને પંથકમાં માહોલ ગરમાયેલો છે.ત્યારે ઝાલોદમાં ખાતમુહુર્ત માટે પધારેલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુવાડા હિરેન પટેલના નિવાસ્થાન ખાતે ઘરના સભ્યોની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ આપી હતી.