પટના-

બિહારના ગયામાં મતદાનના પહેલા તબક્કા પહેલા પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના વિધાનસભા ક્ષેત્રમાં ત્રણ આઈઈડી બોમ્બ મળી આવ્યા હતા. સમાચાર છે કે આ આઈઈડી બોમ્બ નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા. ચેકીંગ દરમિયાન સુરક્ષા દળોએ આઈઈડી બોમ્બને ઝડપી લીધો છે અને નક્સલવાદીઓના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે.

ગયાના ઇમામગંજ વિધાનસભા મત વિસ્તારના મંજરીથી પારસા સુધીના માર્ગ પર નક્સલવાદીઓ દ્વારા આઈઈડી બોમ્બ પ્લાન્ટ લગાવવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ ચેકિંગ દરમિયાન આ બોમ્બને ઝડપી લીધા હતા. જે બાદ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કેસ અંગે માહિતી આપતાં એસએસપી રાજીવ મિશ્રાએ જણાવ્યું હતું કે, ચૂંટણીને લઈને પોલીસ સાથે સીઆરપીએફના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન સુરક્ષાદળોએ આઈઈડી બોમ્બને ઝડપી લીધો છે. ત્રણેય બોમ્બ નાશ પામ્યા છે. તેમણે કહ્યું કે આ સિવાય સુરક્ષા દળો અન્ય વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. મતદાનના પ્રથમ તબક્કામાં સુરક્ષાને વધુ કડક બનાવવામાં આવી છે.