અમદાવાદ-

આજે એટલેકે શુક્રવારના દિવસે મોક્ષદા એકાદશી, નાતાલ અને ગીતા જયંતી છે. ગીતા સાક્ષાત શ્રીકૃષ્ણ પરમાત્માની દિવ્યવાણી છે. એનો મહિમા અપાર છે. એના મહિમાનું કોઇ પરીપુર્ણ વર્ણન કરી શકે નહી. ગીતાજી એક રહસ્યમય ગ્રંથ છે એમાં વેદોનો સાર સંગ્રહ કરાયો છે. વેદનું વાચન-પઢન આપણા માટે અતિ કાઠીન છે. ગીતાજીમાં એની રચના સરળ અને સુંદર રીતે સામાન્ય માણસથી લઇ વિદ્વાન સુધી સરળતાથી સમજી શકે એવી છે. આજીવન વારંવાર અભ્યાસ કરતા રહેવા છતા ગીતાજીમાં એના રહસ્યને પરીપુર્ણ રીતે પામી શકાતુ નથી. ગીતા સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખકમળમાંથી નીકળેલી વાણી છે. એનું સંકલન શ્રી વ્યાસજી કર્યુ છે. શ્રીકૃષ્ણે પોતાનો ઉપદેશ યુધ્ધભુમિમાં અર્જુનને કહયો હતો તેમાં ઉપદેશના અંશ પદ્યમાં અને ગદ્યમાં કહયા છે વ્યાસજીએ સ્વયં શ્લોક બધ્ધ કર્યા છે. ગીતાજીમાં ભગવાનના ગુણ, પ્રભાવ, મર્મ, કર્મ તથા જ્ઞાનનું વર્ણન યથાર્થ રીતે કરાયુ છે. શબ્દે શબ્દે આપણને સદુપદેશની લાગણી અનુભવાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 94-95 શ્લોકમાં આઠ સરછાસ્ત્ર એમને ઇષ્ટ કહયા છે તેમાં પણ ગીતાજીનો સમાવેશ થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના અમૃતરૂપી વચનો જેમાં કહયા છે તેવો ગ્રંથરાજ વચનામૃતમાં ગીતાજીના 45 શ્લોકોને યાદ કરી જ્ઞાન આપ્યુ છે. ગુરુકુલ-રાજકોટના સંસ્થાપક પરમ પૂજય સદગુરુ શાસ્ત્રી મહારાજશ્રી ધર્મજીવનદાસજીએ 18 દિવસમાં ગીતાજીના 18 અધ્યાય કંઠસ્થ કરેલ અને જીવનમાં ઉતારેલ હતા.