વડોદરા

સોસાયટીના મિત્રો સાથે રોજ સવારે મોર્ન્િંાગ સાઈકલિંગ માટે જતા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધો.૭માં અભ્યાસ કરતો ૧૧ વર્ષીય વિદ્યાર્થીને આજવા રોડ એકતાનગર પાસે સિમેન્ટના બિલ્ડિંગ કન્સ્ટ્રકશનના બ્લોક ભરીને જતી ટ્રકના ચાલકે વિદ્યાર્થીની સાઈકલને ટક્કર મારતાં ટ્રકના વ્હીલ વિદ્યાર્થી ઉપર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત પગલે રાહદારીઓ અને અન્ય વાહનચાલકો ભેગા થઈ ગયા હતા અને લોકોનો રોષ જાેઈ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ બાપોદ પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ અંગે મળતી વિગત અનુસાર શહેરના આજવા રોડ સ્થિત શ્રીહરિ ટાઉનશિપ પાસે આવેલ ગોકુલનગર ટેનામેન્ટમાં દર્શનભાઈ સુથાર તેમના પત્ની અને સંતાનોના પરિવાર સાથે રહે છે. તેમનો પુત્ર મહર્ષિ સુથાર (ઉં.વ.૧૧) અંબે ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધો.૭માં અભ્યાસ કરતો હતો. તે રોજ મિત્રો સાથે એક્સરસાઈ માટે મોર્ન્િંાગ સાઈકલિંગ કરવા માટે જતો હતો. રોજના સમયે વહેલી સવારે સાડા સાત વાગ્યાની આસપાસ મિત્રો સાથે સાઈકલિંગ કરવા નીકળ્યો હતો તે દરમિયાન આજવા એકતાનગર નાકા પાસે બિલ્ડિંગ કન્સ્ટ્રકશન સાઈટ માટે બ્લોક ભરેલ ટ્રક પસાર થતી હતી ત્યારે ટ્રકચાલકે વિદ્યાર્થીની સાઈકલને અડફેટમાં લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતને પગલે રાહદારીઓ અને અન્ય વાહનચાલકો અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. જે સમયે રાહદારીઓ અને વાહનચાલકોનો રોષ જાેઈને ટ્રકચાલક ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ પરિવારને કરવામાં આવતાં પરિવાર તેમજ આસપાસના રહીશો દોડી આવ્યા હતા. માતાએ પુત્રને જાેતાં જ હૈયાફાટ રૂદન કરી મૂકતાં ગમગીની વ્યાપી ગઈ હતી. આ અંગેની જાણ બાપોદ પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ટ્રકચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. વિદ્યાર્થીની લાશને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. વિદ્યાર્થીના પિતા ખાનગી કંપનીમાં એચઆર તરીકે નોકરી કરે છે તેમ માહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.