બાલાસિનોર, તા.૨૩ 

મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં છેલ્લાં કેટલાંય દિવસોથી કોરોનાના નવાં કેસ આવ્યાં ન હતો. એવું લાગતું હતું કે, બાલાસિનોર કોરોના મુક્ત જાહેર થઈ જશે. ત્યાં અચાનક કોરોનાએ ફરી માથું ઊંચકતાં ફફડાટ ફેલાયો છે. બાલાસિનોરમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. મુંબઈથી આવેલાં ૪૫ વર્ષીય મહિલાને તાવ-શરદી જેવાં લક્ષણો દેખાતાં હતા. તેમને સારવાર અર્થે ખસેડાયાં હતાં. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે રાજપુર રોડ ઉપર આવેલી સાંઈનગર સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. બાલાસિનોરમાં વધુ બે કોરોના પોઝિટિવ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૪૩ પર પહોંચ્યો છે.

ઘણાં દિવસ પહેલાં બાલાસિનોર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો દેખાયાં હતાં ત્યારબાદ છેલ્લાં ઘણાં દિવસોથી કોરોના પોઝિટિવ કેસો આવવાનું બંધ થઈ જતાં જાણે બાલાસિનોર કોરોના મુક્ત તરફ વળી રહ્યો હોય તેવું લાગતું હતું. આજે વધુ બે કેસ પોઝિટિવ કેસ આવતાં બાલાસિનોર શહેરમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ તંત્રની પણ ઊંઘ ઊડી ગઈ છે. બાલાસિનોરના કાછિયાવાડ વિસ્તાર તથા રાજપુર રોડ ઉપર આવેલાં સાંઈનગર સોસાયટીને તાત્કાલિક સેનિટાઇઝ કરવામાં આવી હતી. આરોગ્યની ટીમ દ્વારા બંને વિસ્તારમાં ડોર ટુ ડોર સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બંને દર્દીના પરિવારજનો અને નજીકના લોકોને ક્વોરન્ટીન કરીને તેઓની મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે. જરૂર જણાશે તેઓનો રિપોર્ટ પણ કાઢવામાં આવશે.

મહિસાગર જિલ્લામાં ક્યાં કેટલાં કેસ?

આજે મહિસાગર જિલ્લામાં વધુ ૫ કેસ નોંધાયા છે, જેમાં બાલાસિનોર શહેરમાં ૨, વિરપુરમાં ૧ તથા લુણાવાડા શહેરમાં ૨ મળી કુલ ચાર કેસ પોઝિટિવ આવતાં જિલ્લાનો કુલ આંકડો ૧૪૨ પર પહોંચ્યો છે.

કાછીયાવાડ તથા સાંઈનગર સોસાયટી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયાં

મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં કોરોના પોઝિટિવ દર્દી મળી આવવાના પગલે શહેરના કાછિયાવાડ, સાંઈનગર સોસાયટી વિસ્તારમાં રહેતાં લોકોને ક્લસ્ટર ઝોન મૂકવામાં આવ્યાં છે.

લુણાવાડામાં કરિયાણાના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ફફડાટ

લુણાવાડામાં કરિયાણાના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં વેપારીઓ દ્વારા પોતાની દુકાનો સવારે આઠથી બપોરના ત્રણ સુધી ખુલ્લી રાખી ગ્રાહકો માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આવે ત્યારે વેપાર કરવાનો એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

લુણાવાડા પાલિકા સભ્યના પિતાનું કોરોનાથી નિધન

લુણાવાડા નગરપાલિકા સદસ્યના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યું થયું હતું. આ સાથે મહિસાગર જિલ્લામાં કોરોનાથી મૃત્યુ થયેલાં દર્દીનો આંકડો ૪ પર પહોંચ્યો છે.