મુંબઇ

બોમ્બે હાઇ કોર્ટે અભિનેતા સોનુ સૂદની અપીલ અને વચગાળાની અરજીને ફગાવી દીધી છે. જેમાં તેમને જુહુમાં તેના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર બાંધકામ કરવા અંગે બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) નોટિસને પડકાર કર્યો હતો. ન્યાયાધીશ પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે અદાલત અપીલ અને અરજીને ફગાવી રહી છે.

જસ્ટિસ પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું હતું કે બૉલ હવે બીએમસીની કોર્ટમાં છે. સોનુના વકીલ અમોઘ સિંઘે બીજી કોર્ટના બીએમસીને મળેલા આદેશ સામે દસ સપ્તાહનો સ્ટે માગ્યો હતો. જસ્ટિસ ચવ્હાણે કહ્યું કે તમે મોડા પડ્યા છો. તમારી પાસે પૂરતો સમય હતો ત્યારે તમે નિરાંતે બેસી રહ્યા હતા. તત્કાળ પગલાં લે એને કાયદો મદદ કરે છે. 

સોનુના વકીલે એવી દલીલ કરી હતી કે કયા માળ પર ગેરકાયદે બાંધકામ થયું છે એની સ્પષ્ટતા બીએમસીની નોટિસમાં નહોતી. આ ઇમારત અહીં 1992થી ખડી હતી. બીએમસી આખી ઇમારત તોડી પાડી શકે નહીં. જે હિસ્સો બીએમસીની દ્રષ્ટિએ ગેરકાયદે હોય એ ભલે તોડી પાડે. અમે ફક્ત એવી દલીલ કરી હતી કે આ નોટિસ ક્ષણિક આવેશમાં આવીને અપાઇ છે. નોટિસમાં સ્પેસીફિકેશન નથી કે કયો વિસ્તાર ગેરકાયદે બાંધકામની વ્યાખ્યામાં આવે છે. એટલે અમે સ્પેસીફિકેશનની વાટ જોઇ રહ્યા હતા. 

જો કે હાઇકોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી અને કહ્યું હતું કે હવે દડો બીએમસીની કોર્ટમાં છે. જે બાંધકામ ગેરકાયદે હોય એની સામે બીએમસી પગલાં લઇ શકે છે. 

બીએમસીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સોનુ સૂદને નોટિસ ફટકારી હતી. સૂદે ડિસેમ્બર 2020 માં સિવિલ કોર્ટમાં તે નોટિસને પડકાર્યો હતો, પરંતુ તેમની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ તેણે બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો.બીએમસીએ તેની નોટિસમાં આરોપ લગાવ્યો હતો કે સૂદે છ માળની 'શક્તિ સાગર' રહેણાંક મકાનમાં માળખાકીય ફેરફારો કર્યા હતા અને તેને વ્યવસાયિક હોટલમાં પરિવર્તિત કર્યા હતા.