દિલ્હી-

કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, તેમના એકાઉન્ટને લગભગ એક કલાક સુધી ટ્વિટર દ્વારા લોક કરવામાં આવ્યું હતું. તે ફરીથી પુન:સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમણે લખ્યું છે કે ટ્વિટર દ્વારા અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપિરાઇટ એક્ટ (ડીએમસીએ)ને આ પાછળનું કારણ બતાવ્યું છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, ટ્વિટરની આ કાર્યવાહી માહિતી ટેકનોલોજીના નિયમો 2021 (મધ્યસ્થી માર્ગદર્શિકાઓ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ)ના નિયમ 4(8)નું ઉલ્લંઘન છે, જે હેઠળ તેણે અકાઉન્ટની એક્સેસને દૂર કરતા પહેલા કોઈ સૂચના આપી ન હતી.

રવિશંકર પ્રસાદે ટ્વિટર પર એકાઉન્ટ લોક થવાનો અને ફરીથી એક્સેસ મેળવવાનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. એકાઉન્ટ લોક કરવાની સૂચનામાં લખ્યું છે કે, “તમારું એકાઉન્ટ લોક થઈ ગયું છે કારણ કે ટ્વિટરને તમારા એકાઉન્ટમાંથી પોસ્ટ કરેલી સામગ્રી પર ડિજિટલ મિલેનિયમ કોપિરાઇટ એક્ટની ફરિયાદ મળી છે. ડીએમસીએ હેઠળ કોપિરાઇટ દાવેદાર ટ્વિટરને સૂચના આપી શકે છે કે વપરાશકર્તાએ તેમના કોપિરાઇટ કરેલા કાર્યોનું ઉલ્લંઘન કર્યું છે. આ સૂચના મળ્યા પછી ટ્વિટર સંબંધિત સામગ્રીને દૂર કરશે. "

કેન્દ્રીય પ્રધાનને મળેલી નોટિસમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, કોપીરાઇટના વારંવાર ઉલ્લંઘન બદલ અકાઉન્ટને પણ સ્થગિત કરી શકાય છે. જોકે, ટ્વિટર દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. રવિશંકર પ્રસાદને આ નોટિસ ત્યારે મળી છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. માહિતી ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે ગયા અઠવાડિયે ટ્વિટરની આલોચના કરી હતી કે દેશના નવા આઇટી નિયમોનું જાણીજોઈને ઉલ્લંઘન કરવામાં આવે છે અને તેનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે.