નડિયાદ : ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં રાજ્યસભાના સાંસદની ગ્રાન્ટમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. રાજ્યસભા સાંસદ દ્વારા ફાળવવામાં આવેલી અધધધ...૨ કરોડ જેટલી ગ્રાન્ટમાં બંને તાલુકાના બાબુઓથી માંડી કર્મચારીઓ અને કોન્ટ્રેક્ટરોની મીલિભગત થકી ગ્રાન્ટમાં ઉચાપત કરાઈ હોવાના આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે. 

આ સંદર્ભે ઠાસરાના એક અરજદાર દ્વારા લાંચ-રૂશ્વત બ્યુરોના ડિરેક્ટરને લેખિતમાં અરજી કરીને આ સમગ્ર કૌભાંડ અંગે જાણ કરી તેની તપાસની માગ કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના રાજ્યસભા સાંસદ દ્વારા ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં છેલ્લાં પાંચ વર્ષમાં ૧૦ કરોડ જેટલી માતબર રકમ ફાળવ્યાંની લોકચર્ચા ચાલી રહી છે. જાેકે, જે કામો માટે ગ્રાન્ટ ફાળવી છે તે કામો સ્થળ ઉપર થયાં ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે અરજદારનો આક્ષેપ છે કે, અન્ય ગ્રાન્ટો પૈકી પાંચ ટકા, પંદર ટકા, તાલુકા આયોજન, જિલ્લા આયોજન, ધારાસભ્યોની ગ્રાન્ટ, ખેડા સાંસદ સભ્યની ગ્રાન્ટોમાં થયેલાં કામોનું રાજ્યસભાની ગ્રાન્ટોમાં ડુપ્લિકેશન થાય છે! કોન્ટ્રેક્ટરો અને તાલુકાના અધિકારીઓની મિલીભગત દ્વારા આ પ્રકારની છેતરપિંડી કરી ખોટાં બિલો અને વાઉચરો બનાવી નાણાં ઉપાડી લેવામાં આવે છે. આ સમગ્ર બાબતે અરજદારે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, ઉપર સુધી અમુક ટકા આપવાના હોય છે, ઉપરાંત તાલુકામાં નાણાં ઉપાડવા માટે ૧થી ૩૦ ટકા ઉપાડી લેવામાં આવે છે. તેમાં નીચેથી છેક ઉપર સુધી વ્યવહારો થતાં હોવાના ગંભીર આરોપ ઊઠ્યાં છે. આ બાબતે સામાન્ય નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવે તો કોઈ તપાસ કરવામાં આવતી નથી, જેથી આ બાબતે રાજ્યસભાના સાંસદ દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટના કામોની સ્થળ તપાસ કરવામાં આવે તો મોટંુ કૌભાંડ બહાર આવે તેમ છે. આ કૌભાંડમાં મોટાં માથાઓનો જ કોન્ટ્રેક્ટર હોવાનો પણ ખુલાસો થાય તેવી શક્યતા છે, જેથી આ બાબતે તાત્કાલિક તપાસ આદરવામાં આવે તેવી માગ ઉઠી છે.