મહેસાણા : વિસનગર તાલુકાના ઉદલપુરથી ૧૫ દિવસથી ગુમ થયેલી પરિણીત યુવતી અને તેના મહોલ્લામાં જ રહેતા યુવકની ખેરવા ગામની સીમમાં સુજલામ સુફલામ કેનાલમાંથી મંગળવારે સવારે બંને હાથમાં દુપટ્ટો બાંધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસના કહેવા મુજબ, લગ્ન અશક્ય જણાતાં પ્રેમીપંખીડાંએ આપઘાત કર્યો હોઇ શકે. મહેસાણા તાલુકા પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. કેનાલ પાસેથી મળી આવેલ થેલો અને મોબાઇલને આધારે પોલીસ મૃતકના પરિવારજનો સુધી પહોંચી હતી. બંને મૃતક ઉદલપુરનાં સરોજબેન ભરતજી ઠાકોર (૨૨) અને વિપુલજી ઉર્ફે ગેંડો પથુજી ઠાકોર (૨૩) હોવાનું ખુલ્યું હતું. પોલીસે બંનેના પરિવારોની પૂછપરછ કરતાં જણાયું હતું કેં સરોજના ૫ વર્ષ અગાઉ ભરતજી સાથે લગ્ન થયાં હતાં અને સંતાનમાં ૩ વર્ષનો પુત્ર છે. એક જ મહોલ્લામાં રહેતા વિપુલજી સાથે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીએ વહેલી સવારે ૫ વાગે તેના ઘરવાળાને ફોન કરી અમે અમદાવાદ કેનાલની પાસે ઉભા છીએ અને તેમાં પડવા જઇ રહ્યા છીએ તેવો ફોન કરી મૂકી દીધો હોઇ તમામે તેની શોધખોળ હાથ ધરી હતી. જાણવા મુજબ બંને પ્રેમીઓ ભાગ્યા તેના આગલા દિવસે તેમના પ્રેમ પ્રકરણની જાણ યુવતીના પરિવારને થતાં હંગામો થયો હતો અને બંનેને એકબીજાથી દૂર રહેવા સમજાવાયાં હતાં. ગત ૭ ઓગસ્ટે યુવતી કુદરતી હાજતે જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં ફરતાં પરિવારે શોધોખોળ કરી હતી અને આ સમયે તેમના મહોલ્લામાં રહેતો વિપુલ ઠાકોર પણ ઘરેથી ગાયબ જણાતાં તેઓ સાથે ભાગ્યા હોવાની શંકાને આધારે યુવતીના પરિવારની શોધખોળ વચ્ચે બંનેની લાશ મળી આવતાં વાતાવરણ ગમગીન બન્યું હતું.