રાજકોટ-

રાજકોટ જિલ્લો બહુ જ ઝડપથી કોરોનામાંથી રિકવર થઈ રહ્યો છે. રાજકોટના અનેક ગામડાઓ કોરોનાની બીજી લહેરમાંથી બહાર નીકળી રહ્યાં છે. પરંતુ એક તરફ જ્યાં જિલ્લામાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યાં છે, ત્યાં બીજી તરફ રાજકોટમાં વેક્સીનેશન મંદ ગતિએ ચાલી રહ્યું છે. રાજ્યમાં સૌથી ઓછા રસીકરણવાળા પાંચ જિલ્લામાં રાજકોટ જિલ્લાનો સમાવેશ થયો છે.

રાજકોટ શહેરમાં ૬.૭૦ લાખ, જ્યારે રાજકોટ જિલ્લામાં ૩.૭૩ લાખ લોકોને જ રસીકરણ કરાયું છે. રાજકોટમાં ૨.૬૨ લાખ યુવાનોએ કોરોના સામેની રસીનો પ્રથમ ડોઝ મૂકાવ્યો છે. રાજકોટમાં ધીમી ગતિએ ચાલુ રહેલા વેક્સીનેશન પાછળ શું કારણ છે તે તો તંત્ર જ બતાવી શકશે. રાજકોટ જિલ્લાના ૧૪૫ જેટલા ગામ કોરોનામુક્ત બન્યા છે. છેલ્લા ૩ સપ્તાહમાં એક પણ પોઝિટિવ ન આવતા હાશકારો થયો છે. આ તમામ ગામો એવા છે જ્યાં પ્રથમ લહેરમાં ક્યાંક ઓછા કેસ જાેવા મળ્યા હતા, તો ક્યાંક વધુ કેસ જાેવા મળ્યા હતા. પરંતુ પૂરતી તકેદારી રાખતા આ આફતથી જિલ્લાના ૧૪૫ ગામોએ કોરોનાને હરાવ્યો છે. રાજકોટ તાલુકાના ૪૪ ગામ, પડધરીના ૧૪, લોધિકાના ૧૪, જેતપુરના ૪, ગોંડલના ૨૦, કોટડાસાંગાણીના ૨૩, જસદણના ૨૩, વીંછિયાના ૨૨, ઉપલેટાના ૧૫ અને જામકંડોરણાના ૪ ગામનો સમાવેશ થાય છે.