લાહોર-

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૧૭ સપ્ટેમ્બરથી ત્રણ મેચની વનડે શ્રેણી યોજાવાની છે. પરંતુ શ્રેણી પહેલા યજમાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો આંચકો લાગ્યો છે. ડિસિઝન રિબ્યુ સિસ્ટમ (ડીઆરએસ) ની ગેરહાજરીને કારણે આ શ્રેણી વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ નહીં બને. આ કારણે બંને ટીમોને કોઈ પોઈન્ટ નહીં મળે. દરેક મેચ ૧૦ પોઈન્ટની છે. પીસીબી અને બ્રોડકાસ્ટર આઈસીસી દ્વારા માન્ય ડીઆરએસ સર્વિસ પ્રોવાઈડરની વ્યવસ્થા કરી શક્યા નથી.

ક્રિકઇન્ફોના અહેવાલ અનુસાર ન્યૂઝીલેન્ડે આ શ્રેણીને ડીઆરએસ ટેકનોલોજી વગર વર્લ્ડ કપ સુપર લીગનો એક ભાગ બનાવવાનો ઇનકાર કર્યો છે. જોકે ન્યૂઝીલેન્ડની ટીમ ૨૦૨૨-૨૩માં ફરી એકવાર પાકિસ્તાનની મુલાકાત લેશે. ત્યારબાદ બે ટેસ્ટ અને ત્રણ વનડે રમાવાના છે. તે સમય દરમિયાન આ મેચ વર્લ્ડ કપ સુપર લીગ હેઠળ રમી શકાય છે. પાકિસ્તાને સુપર લીગ હેઠળ અત્યાર સુધી ૯ મેચ રમી છે. ૪ જીત સાથે ટીમ ૪૦ પોઇન્ટ ધરાવે છે અને છઠ્ઠા નંબરે છે. ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ જીતી છે. તેના ૩૦ પોઇન્ટ છે.

આઇસીસી દ્વારા ૨૦૨૨-૨૩ સુપર લીગમાં ૧૩ ટીમોને સ્થાન આપવામાં આવ્યું છે. યજમાન ભારત અને ટોચની ૮ ટીમો ૨૦૨૩ માં યોજાનારા વનડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે. ટુર્નામેન્ટની મેચો ભારતમાં યોજાવાની છે. અન્ય ૫ ટીમોએ ક્વોલિફાઇંગ મેચ રમવાની છે. દરેક ટીમે ૮ શ્રેણી રમવાની છે. ઘરમાં ૪ અને ઘરની બહાર ૪. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો અત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ ૯૫ પોઈન્ટ સાથે ટોચ પર છે.