અબુધાબી 

દુનિયાની એકમાત્ર 10 ઓવર ઈન્ટરનેશનલ ક્રિકેટ જેને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્વારા મંજૂરી પ્રાપ્ત છે તેની આગલી સીઝનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ટૂર્નામેન્ટની ચોથી સીઝનનું આયોજન 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી-2021 વચ્ચે કરવામાં આવશે. આ બીજો પ્રસંગ હશે જ્યારે ટૂર્નામેન્ટનું આયોજન અબુ ધાબીના જાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં કરાશે.2019માં 8 ટીમોએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ તમામ ટીમોએ આ સીઝનમાં ભાગ લેવાની પણ જાહેરાત કરી દીધી છે. આ ટીમોમાં ટીમ અબુધાબી, મરાઠા અરેબિયન્સ, બાંગ્લા ટાઈગર્સ, ડેક્કન ગ્લેડિયેટર્સ, ક્વાલન્ડર્સ, દિલ્હી બુલ્સ, નર્દન વોરિયર્સ અને કર્ણાટક ટસ્કર્સ છે જેને હવે પૂણે ડેવિલ્સના નામે ઓળખવામાં આવે છે.

ડિફેન્ડીંગ ચેમ્પિયન મરાઠા અરેબિયન્સના સહમાલિક પરવેઝ ખાન, રાજુ અય્યર અને અનુરાગ માહેશ્ર્વરી પાસે છે જ્યારે 2019ની રનર્સઅપ ડેક્કન ગ્લેડિયેટર્સની માલિકી ભારતીય દિગ્ગજ ગૌરવ ગ્રોવર પાસે છે. ટીમ અબુ ધાબીની માલિકી અબુધાબી ક્રિકેટ પાસે છે. આ ટૂર્નામેન્ટમાં શેન વોટસન, ડેરેન સેમ્મી, શેન વોટસન, ડેરેન બ્રાવો, ઓઈન મોર્ગન સહિતના ખેલાડીઓ ભાગ લેશે.