ગોલ

ઇંગ્લેન્ડે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના અંતિમ દિવસે વિજય માટેની ઔપચારિકતા પૂરી કરી હતી. બેરિસ્ટો અને લોરેન્સ વચ્ચે ચોથી વિકેટની અણનમ ૫૨ રનની ભાગીદારીની મદદથી ૭૪ રનના લક્ષ્‍યાંક સામે ૭૬ રન કરીને પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને સાત વિકેટ હરાવ્યું હતું. બેરિસ્ટો ૩૫ અને લોરેન્સ ૨૧ રન કરી અણનમ રહ્યા હતા. બીજી ટેસ્ટ ૨૨મી જાન્યુઆરીથી શરુ થશે. ઇંગ્લેન્ડે ૩૮ રનમાં ૩ વિકેટ ગુમાવતા શ્રીલંકાને ચમત્કારની આશા જાગી હતી, પરંતુ પછી બેરિસ્ટો અને લોરેન્સે તે ફળીભૂત થવા દીધી ન હતી. બેરિસ્ટોએ પરેરાને ચોગ્ગો લગાવી ટીમને વિજય અપાવ્યો હતો. ઇંગ્લેન્ડે આ પહેલા ૨૦૧૮ના પ્રવાસમાં શ્રીલંકાને ૩-૦થી હરાવ્યું હતું. 

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટનો કેપ્ટન તરીકે આ ૨૪મો ટેસ્ટ વિજય હતો. તેણે કેપ્ટન તરીકેની ૪૫ ટેસ્ટમાં અત્યાર સુધીમાં કુલ ૨૪ વિજય મેળવ્યા છે. આ સાથે તેણે ઇંગ્લેન્ડના કેપ્ટન તરીકે ૨૪ ટેસ્ટ વિજયો મેળવનારા એન્ડ્ર્યુ સ્ટ્રોસ અને કેપ્ટન કૂકની બરોબરી કરી હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન તરીકે સૌથી વધુ વિજય માઇકલ વોને મેળવ્યા છે. તેણે ૫૧ ટેસ્ટમાં ૨૬ વિજય મેળવ્યા છે.