આણંદ, તા.૧૭ 

આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોજેરોજ વધી રહ્યું છે. અનલોક-૧ અને એ પછી અનલોક-૨માં દિન-પ્રતિદિન સ્થિતિ કફોડી થઈ બની રહી છે. રોજેરોજ નવાં નવાં પોઝિટિવ કેસ નોંદાઈ રહ્યાં છે. આજે વધુ ૮ પોઝિટિવ કેસ આવતાં આજનો દિવસ પણ ખાલી જવા દીધો નથી. આજે આવેલા પોઝિટિવ કેસમાં ખંભાત-પેટલાદમાં ૨-૨, બોરસદ, આણંદ, સાયમા અને સોજિત્રામાં એક-એક કેસ નોંધાયો હતો.

સૂત્રોના જણાવ્યાં મુજબ, આજે આવેલાં નવાં કેસમાં બોરસદના બ્રાહ્મણવાળામાં રહેતાં ૬૩ વર્ષના પુરુષ, ખંભાત તાલુકાના સાયમા ગામે આવેલાં મહાદેવ મંદિર પાસે રહેતાં ૬૫ વર્ષનાં મહિલા, ખંભાતના અલીંગ વિસ્તારમાં બોરીયાપાડા ખાતે રહેતાં ૭૦ વર્ષના વૃદ્ધ, સોજિત્રાના મોટાં બજારમાં આવેલી કાછીયા શેરીમાં રહેતાં ૫૩ વર્ષના પુરુષ, ખંભાતના પાંચ હાટડી વિસ્તારમાં રહેતાં ૪૨ વર્ષના આધેડ, પેટલાદમાં રહેતાં ૩૦ વર્ષનાં મહિલા, ૨૧ વર્ષની યુવતી અને આણંદ શહેરના ઉમર પાર્કમાં રહેતાં ૫૩ વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જ્યાં જ્યાંથી પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં હતાં એ આ તમામ જગ્યાઓએ આરોગ્ય વિભાગ અને પાલિકાની ટીમોએ પહોંચી જઈને વિસ્તારને સેનિટાઇઝ કર્યો હતો. દર્દીઓના મકાનોને પણ સેનિટાઇઝ કર્યાં હતાં. દર્દીઓના સગાં-સંબંધીઓ અને નજીકના સંપર્કોને શોધી કાઢીને તેમનું ચેકઅપ પણ હાથ ધર્યું હતું. જરૂર જણાઈ એવાં લોકોના સેમ્પલ પણ લીધાં હતાં. વહીવટી તંત્રએ વિવિધ વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ વિસ્તારોમાં ડોર ટુ ડોર સરવેની કામગીરી પણ હાથ ધરાઈ છે. એકબાજુ તહેવારોની મોસમ ચાલું થઈ રહી છે ત્યારે આણંદ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યાં હોવાથી ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે.