વડોદરા, તા. ૨૫

શહેરના સંવેદનશીલ નવાપુરા બકરાવાડી વિસ્તારમાં નવાપુરા પોલીસની રહેમનજર હેઠળ જાહેરમાં બારની જેમ ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડતા નવાપુરા પોલીસમાં દોડધામ મચી હતી. પોલીસે વિદેશી દારૂના અડ્ડા પરથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની આશરે ૩૩ પેટીઓ ઝડપી પાડી હોવાની વિગતો સાંપડી છે.

નવાપુરા બકરાવાડીમાં લાંબા સમયથી ત્રણ બુટલેગરોએ નવાપુરા પોલીસની રહેમનજર હેઠળ ભાગીદારીમાં વિદેશી દારૂનો ધંધો શરૂ કર્યો હતો અને ભાડુતી માણસો મારફત બારની જેમ પતરા અને ગ્રીન નેટની આડાસ લગાવી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂનું ધુમ વેચાણ કરતા હતા. હદ તો એ વાતની હતી કે જાહેરમાં ટેબલ પર અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ડિસ્પલેમાં મુકાતી હતી અને ગ્રાહકો તેમાંથી બ્રાન્ડ પસંદ કરતા હતા અને હોટલની જેમ કેશ કાઉન્ટર પર પૈસા આપીને ગ્રાહકો દારૂની બોટલોની ખરીદી કરતા હતા.નવાપુરા પોલીસ મથકના વહીવટદારો અલય ભરવાડ અને વિજયસિંહ રાઠોડની રહેમનજર હેઠળ ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર સવારથી મોડી સાંજ સુધી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઉક્ત સ્થળેથી વિદેશી દારૂની ૩૩ પેટીઓ ઝડપી પાડી હતી. દરોડાના પગલે બુટલગેરો ફરાર થતા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરીંગ સેલે જે બુટલેગરોના અડ્ડા પર દરોડો પાડ્યા તેઓને મહિને એક લાખનું ભરણ નક્કી કરી વહીવટદારોએ પરમીશન આપી હોવાની વાત પણ દિવસભર ચર્ચામાં રહી હતી. શહેર પોલીસની આબરુના ધજાગરા ઉડાવતી ઉક્ત ઘટનામાં જવાબદારો સામે શું પગલા લેવાશેે તેની પર સૈાની મીટ મંડાઈ છે.

વહીવટદારોએ વ્યાજખોર પાસેથી પણ અઢી લાખ પડાવ્યાંની ચર્ચા

શહેર પોલીસ કમિ.ના આદેશ બાદ તમામ પોલીસ મથકોમાં વ્યાજખોરોને ઝડપી પાડવા માટે લોકદરબારો યોજવામાં આવ્યા હતા. આ પૈકી પથ્થરગેટ પર આવેલા એક વ્યાજખોર વિરુધ્ધ પણ અરજી કરાઈ હતી જેની તપાસના બહાને વહીવટદારોએ બેથી અઢી લાખ પડાવ્યાની વાતે પણ હવે જાેર પકડ્યુ છે.

દીવાલમાં બાકોરંુ પાડી દારૂ બહાર લવાતો

રીઢા બુટલેગરો આઝાદ મેદાનમાં વિદેશી દારૂની પેટીઓ ઉતરાવીને તેને પાછલા રસ્તેથી રહેણાંક મકાનવાળા સ્થળે લાવતા હતા અને દિવાલમાં બાકોરુ પાડી બાકોરમાંથી વિદેશી દારૂની બોટલોને વેચાણ માટે બારની જેમ બનાવેલા ટેબલ પર મોકલતા હતા. આ બુટલેગરોએ નશેબાજાેના દારૂ પીવા માટે એક રૂમની પણ વ્યવસ્થા કરી આપતા હોઈ સાંજથી મોડી રાત સુધી આ સ્થળે નશેબાજાેનો મેળાવડો જામતો હતો.

એસએમસીના દરોડાના પગલે અન્ય પોલીસ મથકોમાં દોડધામ

સ્ટેટ મોનિટરીંગ સેલે નવાપુરા પોલીસ મથકની હદમાં દરોડો પાડ્યાની જાણ થતાં જ એસએમસીના સપાટામાં તાજેતરમાં સપડાયેલા સમા, વારસિયા, રાવપુરા અને મકરપુરા પોલીસ બેડામાં દોડધામ મચી હતી અને આ પોલીસ મથકના પીઆઈ સહિતના ડીસ્ટાફની ટુકડીએ તેઓના વિસ્તારમાં બુટેલગરોને શોધવા માટે ઘનિષ્ટ તપાસ શરૂ કરી હતી.