સુરત

ગુજરાતની ક્રિકેટ ટીમે વિજય હઝારે ટ્રોફીમાં સતત પાંચમી મેચમાં જીત મેળવી હતી. સુરતના ખાતે વડોદરાને ૪૦ રને હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ગુજરાતની ટીમે ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૭૭ રન કર્યા હતા. જવાબમાં વડોદરાની ટીમ ૯ વિકેટે ૨૩૭ રન જ કરી શકી હતી.

ગુજરાત માટે વિકેટકીપર બેટ્‌સમેન ધ્રુવ રાવલે ૧૦૨ રન કર્યા હતા. જ્યારે બોલિંગમાં પિયુષ ચાવલાએ ૩, ચિંતન ગજા- અરઝાન નગવાસવાલાએ ૨-૨ અને કરન પટેલે ૧ વિકેટ લીધી. મેચ જીતીને ગુજરાત ટૂર્નામેન્ટની પ્લેઓફમાં પહોંચી ગયું છે. પ્રિયાંક પંચાલ હેઠળ ગુજરાત અત્યાર સુધી રમેલી પાંચેય મેચ જીત્યું છે. ગુજરાતની શરૂઆત સારી રહી નહોતી. કેપ્ટન પ્રિયાંક પંચાલ ૨ અને ચિરાગ ગાંધી ૧૨ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા. તે પછી વિકેટકીપર બેટ્‌સમેન ધ્રુવ રાવલે ઇનિંગ્સ સંભાળતા ૧૨૯ બોલમાં ૯ ફોર અને ૧ સિક્સની મદદથી ૧૦૨ રન કર્યા હતા. તે સિવાય હેતે ૮૪ બોલમાં ૮૨ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ચિંતન ગજાએ ૯ બોલમાં ૨ ફોર અને ૨ સિક્સની મદદથી ૨૪૪ની સ્ટ્રાઇક રેટે ૨૨ રન કરીને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો હતો.

 રનચેઝમાં વડોદરાનો સ્કોર એકસમયે ૧૨૩ રને ૧ વિકેટ હતો. જોકે ફાસ્ટ બોલર ચિંતન ગજાએ વિષ્ણુ સોલંકી અને કૃણાલ પંડ્યાને ઉપરાઉપરી આઉટ કરીને ગુજરાતને મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પછી પિયુષ ચાવલાએ ૩ વિકેટ ઝડપી બરોડાને વાપસી કરાવી હતી. ઉપરાંત અરઝાન નગવાસવાલાએ ૨ અને કરન પટેલે ૧ વિકેટ ઝડપી હતી.