દુબઇ

યજમાન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝ પહેલા બે મુકાબલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સલએ નવા ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે. તાજા ટેસ્ટ રેન્કિંગમાં ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્માને મોટો ફાયદો થયો છે. જ્યારે ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં આર અશ્વિને બાજી મારી છે. બેટ્‌સમેનોના રેન્કિંગમાં પણ અશ્વિને મોટી છલાંગ લગાવી છે. 

આઇસીસી તરફથી જાહેર કરાયેલી ઓલરાઉન્ડરોની તાજા રેન્કિંગ 

1. વેસ્ટ ઇન્ડિઝના જેસન હૉલ્ડર ૪૦૭ પૉઇન્ટ

2. રવિન્દ્ર જાડેજા ૪૦૩ પૉઇન્ટ

3. ઇંગ્લેન્ડનો બેન સ્ટૉક્સ ૩૯૭ પૉઇન્ટ

4. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન ૩૫૨ પૉઇન્ટ

5. અશ્વિનના ૩૩૬ પૉઇન્ટ

રોહિત શર્મા ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલા બાદ ટેસ્ટ રેન્કિંગમાં ૨૩મા નંબરે ખસી ગયો હતો. તો બીજી ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ તે ૧૪મા સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્માને ૯ સ્થાનનો ફાયદો થયો છે. પ્રથમ ટેસ્ટ બાદ તેને પાંચ સ્થાનનું નુકસાન થયું હતું. તેવામાં તેણે શાનદાર સદી ફટકારી વાપસી કરી છે. 

તો અશ્વિન આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઓલરાઉન્ડર તરીકે આ મેચ પહેલા છઠ્ઠા સ્થાન પર હતો પરંતુ ચેન્નઈમાં સદી ફટકારવાની સાથે મેચમાં આઠ વિકેટ ઝડપ્યા બાદ તે પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. બોલરોના રેન્કિંગમાં તે સાતમાં સ્થાને યથાવત છે. આ સિવાય બેટ્‌સમેન તરીકે અશ્વિન રેન્કિંગમાં ૧૪ સ્થાનના ફાયદા સાથે ૮૧મા સ્થાને પહોંચી ગયો છે.

રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં કરિયરની બેસ્ટ રેન્કિંગ હાસિલ કરી લીધી છે. ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ અણનમ અડધી સદી ફટકારનાર પંત ૧૩માંથી ૧૧માં સ્થાને પહોંચી ગયો છે. રિષભ પંતની આ ટેસ્ટમાં બેસ્ટ રેન્કિંગ છે. તેની ઉપર ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી છે. આ મેચ બાદ રહાણેને રેન્કિંગમાં નુકસાન થયું છે.