વેલિંગ્ટન  

ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે રવિવારે ઓછા પ્રકાશના કારણે રમત બંધ રાખવામાં આવી ત્યારે વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર ૨૪૪-૬ હતો અને યજમાન ટીમ એક ઇનિંગ સાથે આ મેચમાં વિજય અને શ્રેણીને જીતી લેવાથી નજીક હતી. વેસ્ટ ઇન્ડિઝને ફોલો-ઓનમાંથી બહાર નીકળી ન્યૂઝીલેન્ડને ફરી રમવા લાવવામાં હજુ ૮૫ રનની જરૂર છે.

નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં ૪૬૦ રન બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડિઝને પહેલી ઇનિંગમાં ૧૩૧ રન પર ઓલઆઉટ કરી દીધી હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટને વેસ્ટ ઇન્ડિઝને ફોલો-ઓન કરવાનો નિર્ણય કરતા વેસ્ટ ઇન્ડિઝને ફરી રમતમાં આવવું પડયું હતું. રમત બંધ રહી ત્યારે કેપ્ટન જેસન હોલ્ડર ૬૦ રન બનાવીને અને જોશુઆ ડી-સિલ્વા ૨૫ રન બનાવીને નોટઆઉટ હતા. બન્નેએ સાતમી વિકેટ માટે ૭૪ રનની ભાગીદારી નોંધાવીને ન્યૂઝીલેન્ડને વિજયથી દૂર રાખ્યું છે.

આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝના ઓપનર બેટ્સમેન જોન કેમ્પબેલે ટેસ્ટ મેચમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર નોંધાવ્યો હતો. તેણે ૬૮ રન બનાવી પોતાની બીજી અર્ધી સદી નોંધાવી હતી. ત્રીજી વિકેટ માટે તેણે ૮૯ રનની ભાગીદારી નોંધાવી હતી. જો કે આ શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝના ટોચના ખેલાડીઓએ કોઈ મોટી ભાગીદારી નોંધાવી નથી અને ચાર ઇનિંગમાં તેમનો આંકડો ૨૫૦ સુધી પણ નથી પહોંચી શક્યો. પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના સાત વિકેટે ૫૧૯ રનના જવાબમાં આ ટીમ ૧૩૮ અને ૨૪૮ રન પર સમેટાઇ ગઈ હતી. હવે હોલ્ડર અને કેમ્પબેલની સારી બેટિંગના કારણે ન્યૂઝીલેન્ડે ચોથા દિવસે ફરી મેદાનમાં ઊતરવું પડશે. આ નિશ્ચિત જણાતી જીત સાથે ન્યૂઝીલેન્ડની ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઇંગ્લેન્ડની ઉપર ત્રીજા સ્થાન પર પહોંચી જશે. આ ટીમ ઇતિહાસમાં પ્રથમવાર ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ નંબરની દાવેદારી કરવા પણ સમર્થ બની છે.