ઈન્દોર

ભારતીય ઘરેલું ક્રિકેટનો પ્રારંભ સૈયદ મુશ્તાક અલી ટી-૨૦ ટ્રોફીથી થઈ ચૂક્યો છે. દરમિયાન આજે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલા સૌરાષ્ટ્ર-સર્વિસીઝ વચ્ચેના મેચમાં સૌરાષ્ટ્રના અર્પિત વસાવડા, વિશ્ર્‌વરાજ જાડેજા અને ચિરાગ જાનીએ સટાસટીયુક્ત બેટિંગ કરીને ટીમને ૩ વિકેટે વિજયી બનાવી હતી. આ સાથે જ ટૂર્નામેન્ટનો વિજયી પ્રારંભ કરવામાં સૌરાષ્ટ્ર સફળ થયું છે. આ મેચમાં ટોસ જીતીને સૌરાષ્ટ્રે પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. જવાબમાં સર્વિસીઝે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૧૬૩ રન બનાવ્યા હતા. સર્વિસીઝ વતી રવિ ચૌહાણે ૩૩, લખનસિંઘે ૧૭, રાહુલસિંઘ ગેહલોતે ૪૦ બોલમાં અણનમ ૭૬, રજત પલિવારે ૬, વિકાસ હાથવાલાએ ૧૩ અને નકુલ શર્માએ ૫ રન બનાવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રના બોલરોએ ૭ વાઈડ અને ૬ લેગબાઈના મળી ૧૩ રન એકસ્ટ્રા આપ્યા હતા.

બોલિંગમાં સૌરાષ્ટ્ર વતી જયદેવ ઉનડકટે ૪ ઓવરમાં ૩૧ રન આપીને એક, ચેતન સાકરિયાએ ૪ ઓવરમાં ૧૯ રન આપીને ૧ અને અવિ બારોટે ૩ ઓવરમાં ૩૧ રન આપીને એક વિકેટ મેળવી હતી જ્યારે ચિરાગ જાની, પ્રેરક માંકડ અને ધર્મેન્દ્ર જાડેજા વિકેટ મેળવી શક્યા નહોતા. સર્વિસીઝે આપેલા ૧૬૪ રનના લક્ષ્યાંવકને હાંસલ કરવા મેદાને ઉતરેલી સૌરાષ્ટ્રની શરૂઆત એકંદરે સારી રહી હતી ટીમે વિનાવિકેટે ૩૮ રન બનાવી લીધા હતા. આ વેળાએ ૨૨ રનના વ્યક્તિગત સ્કોર પર હાર્વિક દેસાઈ આઉટ થઈ જતાં એક સુંદર ભાગીદારીનો અંત આવ્યો હતો. આ પછી ૪૫ રનના ટીમના સ્કોર પર સમર્થ વ્યાસ ૭ રન, ૫૭ રનના સ્કોરે પ્રેરક માંકડ ૮ રન, ૬૬ રનના સ્કોરે અવિ બારોટ ૨૪ રન બનાવીને આઉટ થતાં સૌરાષ્ટ્રના ચાર-ચાર બેટસમેનો પેવેલિયન પરત ફરી ગયા હતા.

આ પછી સ્કોરબોર્ડે હજુ ગતિ પકડી જ કે ૯ રન બનાવીને પાર્થ ચૌહાણ આઉટ થતાં મેચ સર્વિસીઝ તરફે ચાલ્યો ગયો હતો. જાે કે અર્પિત વસાવડા અને ચિરાગ જાનીએ મક્કમ બેટિંગ કરતાં સ્કોરને ૧૨૮ રન સુધી પહોંચાડ્યો હતો પરંતુ અર્પિત ૩૪ રન બનાવીને આઉટ થયો હતો. ત્યારપછી ચિરાગ જાનીએ વિશ્ર્‌વનરાજસિંહ જાડેજા સાથે મળીને સૌરાષ્ટ્રના સ્કોરને ૧૬૦ રન સુધી પહોંચાડીને જીતને સરળ બનાવી દીધી હતી. વિશ્ર્‌વરાજ ૨૩ રન બનાવીને આઉટ થયા બાદ ચિરાગ જાની અને જયદેવ ઉનડકટે ટીમને જીત અપાવી દીધી હતી. ચિરાગ ૩૪ રન અને જયદેવ ઉનડકટ ૨ રન બનાવીને અણનમ રહ્યા હતા. બોલિંગમાં સર્વિસીઝ વતી વરુણ ચૌધરીએ ત્રણ, પુલકીત નારંગે બે અને દિવેશ-મોહિત કુમારે એક-એક વિકેટ મેળવી હતી.