દુબઈ

ભારતીય ટેનિસ ખેલાડી યુકી ભામ્બરીને સોમવારે દુબઈ ડ્યુટી ફ્રી ચેમ્પિયનશીપમાં એજાઝ બેદિન સામે પ્રથમ રાઉન્ડમાં ઓપનિંગ સેટ જીત્યા બાદ હાર મળી હતી. યુકીએ તેજસ્વી શરૂઆત કરી પરંતુ વિશ્વ રેન્કિંગમાં ૫૯ મા ક્રમાંકિત ખેલાડી સામે તેની લય જાળવી શક્યો નહીં અને ૬-૩, ૧-૬, ૪-૬ થી હારી ગયો. ઈજાને કારણે લાંબા સમય સુધી રમતથી દૂર રહીને ટુર્નામેન્ટમાં પાછા ફરનાર ૨૮ વર્ષિય ખેલાડીએ ક્વોલિફાયરમાં દેશબંધુઓ પ્રજનેશ ગુનેસ્વરન અને રામકુમાર રામાનાથનને હરાવીને એટીપી ૫૦૦ ટૂર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં પ્રવેશ કર્યો હતો.

યુકી ઓક્ટોબર-૨૦૧૮ થી ઘૂંટણની ઇજાથી પરેશાન હતો. ભારત સિવાય તેણે ઘૂંટણની સારવાર માટે અમેરિકા અને સ્પેનનાં નિષ્ણાતો બતાવ્યા. આ કારણોસર તેણે ટેનિસ છોડવાનું મન બનાવ્યું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયાના ડોક્ટર એબોની રિયોને મળ્યા બાદ તેને લાગ્યું કે તે ટેનિસ કોર્ટમાં પાછા આવી શકે છે. ઈજાના કારણે લગભગ બે વર્ષ રમતથી દૂર રહ્યા બાદ તેણે તાજેતરમાં જ સિંગાપોર ઓપન સાથે સ્પર્ધાત્મક ટેનિસમાં વાપસી કરી હતી. જોકે ૨૮ વર્ષીય ખેલાડીને સિંગાપોરના મેથ્યુ એબડન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.