મેલબોર્ન 

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને ભારત સામે મંગળવારે સમાપ્ત થયેલી બીજી ટેસ્ટ મેચમાં સ્લો ઓવર રેટના કારણે ૪૦ ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ સાથે આઇસીસીની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચાર પોઇન્ટ પણ કાપી લેવામાં આવ્યા છે. આઇસીસી મેચ રેફરી ડેવિડ બૂને ઓસ્ટ્રેલિયન ટીમે નિર્ધારિત સમયમમાં બે ઓછી ઓવર ફેંકવાના કારણે દંડ ફટકાર્યો છે. ટિમ પેઇનેનની ટીમને આ સજા કરવામાં આવી હતી.

આઇસીસીએ જણાવ્યું હતું કે ખેલાડીઓ, સહાયક સ્ટાર સાથે જોડાયેલી આઇસીસીની આચારસંહિતાના નિયમ ૨.૨૨ના અનુસાર નિર્ધારિત સમયમાં પ્રત્યેક ઓવર ઓછી ફેંકવા બદલ ૨૦ ટકા મેચ ફીનો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્લેઇંગ કન્ડિશન હેઠળ ૧૬.૧૧.૨ નિયમ હેઠળ પ્રત્યેક ઓવર ઓછી નાખવા બદલ બે પોઇન્ટનો દંડ ફટકારવામાં આવે છે. સુકાની પેઇનેએ દોષ કબૂલી લીધો છે અને પ્રસ્તાવિત સજા પણ સ્વીકારી લીધી છે જેના કારણે સત્તાવાર સુનાવણીની જરૂર પડી નથી. સ્લો ઓવર રેટનો આરોપ ફિલ્ડ અમ્પાયર બ્રૂસ ઓક્સેનફર્ડ તથા પોલ રફેલ, થર્ડ અમ્પાર પોલ વિલ્સન તથા ફોર્થ અમ્પાયર ગેરાર્ડ લગાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા (૦.૭૭૬) જીતેલા પોઇન્ટના આધારે હજુ પણ ટોચના ક્રમે છે. ભારત (૦.૭૨૨) બીજા તથા ન્યૂઝીલેન્ડ (૦.૬૨૫) ત્રીજા ક્રમે છે.