નવી દિલ્હી

બુંદેશ લીગાની એક મૅચ દરમ્યાન બોરુસિયા માન્ચેન્ગલાબૅચના સ્ટ્રાઇકર માર્ક્સ થુરમને તેની હરીફ ટીમ હોફેન્હીમના ખેલાડી સ્ટીફન પોશના મોઢા પર થૂંકવા બદલ પાંચ મૅચના બૅનનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત તેને ૪૦,૦૦૦ યુરો (આશરે ૩૫ લાખ રૂપિયા)નો દંડ પણ કરવામાં આવ્યો છે. મૅચ વખતે એક ટેકલ બાબતે વાદવિવાદ દરમ્યાન થુરમ ગુસ્સામાં પોશના મોઢા પર થૂંક્યો હતો. મૅચ રેફરીએ આ બનાવનો વિડિયો જોઈને થુરમને મેદાનની બહાર મોકલી આપ્યો હતો અને પોશને યલો કાર્ડ બતાવ્યું હતું.

જર્મન ફુટબૉલ મહાસંઘે સોમવારે આ બૅન જાહેર કરતાં કહ્યું હતું કે આ પ્રતિબંધ જર્મન કપ અને બુંદેશ લીગામાં લાગુ પડશે. આ ઉપરાંત થુરમ પર એક મૅચનો નિલંબિત પ્રતિબંધ પણ રહેશે જે ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી સારા વર્તાવની શરત પર નિર્ભર રહેશે. થુરમે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ દ્વારા તેના આવા કૃત્ય બદલ માફી માગી લીધી હતી.