દિલ્હી-

હરિદ્વાર કુંભ બાદ ઠેકઠેકાણે કોરોના વિસ્ફોટ શરૂ થઈ ગયો છે. મધ્ય પ્રદેશના વિદિશામાં કુંભથી પરત આવેલા ૮૩ શ્રદ્ધાળુઓમાંથી ૬૦નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે ૨૨ શ્રદ્ધાળુઓ અંગે કોઈ જાણકારી નથી મળી રહી. આ સમગ્ર બનાવ વિદિશા જિલ્લા મુખ્યાલયથી ૪૦ કિમી દૂર આવેલા ગ્યારસપુરનો છે. વિદિશા જિલ્લા પ્રશાસનના અહેવાલ પ્રમાણે ૮૩ તીર્થયાત્રીઓ ૩ અલગ-અલગ બસોમાં બેસીને ૧૧થી ૧૫ એપ્રિલ દરમિયાન હરિદ્વાર જવા રવાના થયા હતા. કુંભ ગયેલા તમામ લોકોની ઓળખ મેળવીને તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય વિભાગના અહેવાલ પ્રમાણે હરિદ્વાર ગયેલા ૮૩ શ્રદ્ધાળુ પૈકી માત્ર ૬૧ની જ જાણકારી મળી શકી છે અને તેમાંથી ૬૦ કોરોના સંક્રમિત આવ્યા છે.

કુંભથી પરત આવેલા શ્રદ્ધાળુઓમાં કોરોના પોઝિટિવ આવેલા ૬૦ પૈકીના ૫ની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તેમને કોવિડ સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. એક અધિકારીના કહેવા પ્રમાણે તેઓ કુંભથી આવનારાઓ પર નજર રાખી રહ્યા છે કારણ કે જાે તેમને સમયસર અલગ નહીં કરવામાં આવે તો તેઓ સુપર સ્પ્રેડર બનશે તેવી આશંકા છે. હરિદ્વાર કુંભ દરમિયાન અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા. આ દરમિયાન અનેક સાધુ સંતોના મોત પણ થયા હતા. જેમ જેમ શ્રદ્ધાળુઓ કુંભથી પોતાના ઘરે પરત આવશે તેમ કોરોના સંક્રમણનું જાેખમ વધતું જશે તેવો ડર છે. આ કારણે તમામ પ્રદેશની સરકારો એલર્ટ થઈ ગઈ છે અને હરિદ્વારથી આવનારા લોકોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.