ન્યુ યોર્ક-

વિશ્વવિખ્યાત ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જ્યોફ બેઝોસે કહ્યું હતું કે, તેઓ ચાલુ વર્ષના ત્રીજા ત્રિમાસિક સમયગાળા દરમિયાન કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારીના પદેથી હટી જશે. તેમણે જાે કે કંપનીના કાર્યકારી અધ્યક્ષ તરીકેની પોતાની ભૂમિકાને ચાલુ રાખવાની અને નિવૃત્ત ન થવાની વાત પણ સાથે જ કહી હતી. બેઝોસને બોર્ડના કાર્યકારી અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. હવે એમેઝોનના નવા સીઈઓ એંડી જેસી બન્યા છે.

બેઝોસે પોતાના કર્મચારીઓને પત્ર લખીને કંપનીના નવા સીઈઓ જેસીની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હાલમાં એમેઝોનની વેબ સર્વિસના વડા એવા જેસી ખૂબ સારા નેતા સાબિત થશે એમ બેઝોસે આશા વ્યક્ત કરી હતી.

બેઝોસે પોતાના કર્મચારીઓને જણાવ્યું હતું કે, એમેઝોનનું જે ખાસ ધ્યેય છે, તેની સાથે તેઓ જાેડાશે અને પરોપકારનું કામ કરવા તરફ વધારે ધ્યાન આપશે. આ કામકાજમાં ડે વન ફંડ, બેઝોસ અર્થ ફંડ, અવકાશ સંશોધન અને પત્રકારત્વને લગતા અન્ય વ્યાવસાયિક કામોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે તેઓ રીટાયર નથી થતા અને આ કામો માટે તેઓ ખૂબ ઉત્સાહિત છે. તેમણે વચન આપ્યું હતું કે, તેઓ નવી ભૂમિકામાં નવા ઉત્સાહ સાથે કંપની સાથે જાેડાયેલા રહેશે.

૧૯૯૪માં ઓનલાઈન બૂક વેચનારી આ કંપની હવે દુનિયાભરની સૌથી મોટી ઓનલાઈન બિઝનેસ કંપની બની ગઈ છે. ગત વર્ષે એમેઝોને છેલ્લા ત્રણ મહિનામાં જ દુનિયાભરમાં ૧૦૦ અબજ ડોલર્સનો બિઝનેસ કર્યો છે.