દિલ્હી-

ખેડૂતોના આંદોલન દરમિયાન હિંસા ભડકાવીને તેને બટ્ટો લગાડવાના જેના પર આરોપ મૂકાય છે, એવા પંજાબી કલાકાર દીપ સિધ્ધુએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, આવા કહેવાતા ખેડૂત નેતાઓને ખબર નહીં હોય કે હું જો તેમના રહસ્યો જાહેર કરવાની શરૂઆત કરીશ તો તેમણે મોં છૂપાવવું ભારે પડી જશે. 

તેણે કહ્યું હતું કે, લોકો તમારા કહેવાથી રાજધાની આવ્યા, તમારા કહેવાથી ટ્રેક્ટર પરેડ થઈ. લોકો તમારા પગલે ચાલીને આંદોલનમાં જોડાયા, તો પછી લાખો લોકો એકલા મારા કાબુમાં કેવી રીતે હોઈ શકે. જો હું એકલો લાખો લોકોને ઉશ્કેરી શકું તો તમારા લોકોની ભૂમિકા કઈ બચી. તમે લોકો જ કહેતા હતા કે ખેડૂત આંદોલનમાં દીપ સિધ્ધુનું કોઈ યોગદાન નથી અને તેને કોઈ અનુસરતું નથી તો પછી લાખો લોકોને ત્યાં હું લઈ ગયો એવો આક્ષેપ તમે કેવી રીતે કરી શકો, એમ હજી પણ સિંઘુ બોર્ડર પાસે આંદોલનમાં રહેલા દીપ સિધ્ધુએ વળતો પ્રહાર કર્યો હતો.

તેણે કહ્યું હતું કે, તે ખેડૂતોના રહસ્યો એટલે નથી ખોલતો કેમ કે તે ઈચ્છે છે કે, આંદોલન એળે જાય નહીં. લાલ કિલ્લા પર હિંસા થઈ હોવાનો ઈનકાર કરીને તેણે કહ્યું કે, ત્યાં વિરોધ કરવા ગયેલા લોકોની ટીકા કરવાની નહીં પણ તેમને ટેકો આપવાની જરુર છે.