વડોદરા, તા.૧૯

વડોદરા શહેરમાં સમાવિષ્ટ થયેલા ભાયલી વિસ્તારમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર રોડ પર પશુઓના કપાયેલા અંગો તેમજ નોનવેજના ટુકડા ફેંકી દેવા મામલે વોર્ડ નં-૧૦ના કાઉન્સિલરે આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી અને આ વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી નોનવેજની લારીઓ વગેરે બંધ કરાવવાની માગણી કરી હતી. સાથે પશુઓના અંગો તેમજ નોનવેજના ટુકડા ફેંકીને જતા રહેતા ઇસમોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

વોર્ડ નં-૧૦ના ભાજપાના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ઘણા સમયથી તેમના વોર્ડમાં આવતા ભાયલીમાં નીલકંઠ મહાદેવ રોડ પર અને આસપાસ અજાણ્યા ઇસમો દ્વારા નોનવેજ વેસ્ટ રસ્તા પર ફેંકી દેવામાં આવે છે. કેટલીક વખત તો અડધા કપાયેલા પશુઓ રસ્તા પર ફેંકી દેવામાં આવે છે. આ રોડ પર રહેતા લોકો તેમજ સ્કૂલે જતા બાળકોની અવર-જવર હોય છે. ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરી છે કે, આવા તત્ત્વોની ઓળખ કરીને અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જાેઇએ. નજીકના વિસ્તારમાં અનેક ચિકન, મટન સહિત નોનવેજ વેચતી દુકાનો આવેલી છે. જાે ત્યાંથી કોઈ જાહેર રોડ પર નોનવેજ વેસ્ટ ફેંકીને જતા રહેતા હોય તો કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આ વિસ્તારમાં જે ગેરકાયદે નોનવેજની દુકાનો,લારીઓ ચાલે છે તેને દૂર કરવા માટે પણ મ્યુનિસિપલ કમિશનરને સૂચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભાયલી વિસ્તારમાં અનેક નવી સાઈટ બની રહી છે અને અહીં મોટાભાગે મોંઘા ઘરો અને ફ્લેટની સ્કીમો આવેલી છે. ત્યારે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા શું જાણીજાેઈને નોનવેજ વેસ્ટ નાખવામાં આવે છે? તેવી ચર્ચા પણ થઈ રહી છે. જ્યારે આ વિસ્તારમાં આવેલ ગોત્રી હોસ્પિટલથી ગોત્રી તળાવ તેમજ સેવાસી ચેકપોસ્ટથી એસ્સાર પેટ્રોલ પંપ તરફ, તેમજ ભાયલી ગામથી લઈ વોર્ડ કચેરી સુધી ગેરકાયદે ચાલતી નોનવેજની લારીના દબાણો કાયમી ધોરણે બંધ કરાવવા માગ કરી હતી.