અમેરિકા,

સુપ્રીમ કોર્ટે ઑરેકલ સાથેના કૉપિરાઇટ વિવાદમાં ગૂગલની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આને કારણે, ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ મામલે કોર્ટે કહ્યું હતું કે, ગૂગલે એન્ડ્રોઇડ ઑપરેટિંગ સિસ્ટમના વિકાસ માટે કોડની 'નકલ' કરીને કંઈ પણ ખોટું કર્યું નથી. હવે આ સિસ્ટમનો ઉપયોગ મોટાભાગે સ્માર્ટફોનમાં થાય છે. ગૂગલે એન્ડ્રોઇડના વિકાસ માટે નવા કૉમ્પ્યુટર કોડની લાખો લાઈનો લખી હતી. તેને ૨૦૦૭માં રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેણે ઑરેકલના જાવા પ્લેટફોર્મ પર કૉપિરાઇટ કોડની ૧૧,૫૦૦ લાઇન્સનો પણ ઉપયોગ કર્યો હતો. ઑરેકલે ગૂગલને આ માટે અબજો ડોલર ચૂકવવા કહ્યું હતું.

કોર્ટે આ કેસમાં છ-બે સાથે ગૂગલની તરફેણમાં ર્નિણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, કોડની નકલ કરવી યોગ્ય છે. ઘણી મોટી અને નાની ટૅકનોલોજી કંપનીઓએ આ ર્નિણયથી રાહતનો શ્વાસ લીધો છે. આ મામલે બે દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટ અને IBMએ ગૂગલનો પક્ષ લીધો હતો. ઑરેકલને આ બાબતમાં ફિલ્મ અને રેકોર્ડિંગ ઉદ્યોગ તેમ જ પ્રકાશકોનો ટેકો મળ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર પણ ઑરેકલની તરફેણ કરતું હતું.