આણંદ : આણંદ નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવવાના શ્રી ગણેશ એક એવાં નેતાએ કર્યાં છે, જેઓએ આજથી બે દાયકા પૂર્વે ભાજપને આણંદ નગરપાલિકામાં સત્તાનો સ્વાદ ચખાડ્યો હતો! આજે આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર-૧૩ના અપક્ષ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મની નોંધણીના બીજા દિવસે અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગના શ્રી ગણેશ કર્યા છે. આણંદ નગરપાલિકામાં ભાજપને સત્તાનો સ્વાદ ચખાડનારા પૂર્વ પ્રમુખ અને અગ્રણી રાજકીય આગેવાન બિપીનભાઈ પટેલે(વકીલ) વોર્ડ નંબર-૧૩માં અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય મોહોલ ગરમાયો છે. બપોરે ૧ કલાકની આસપાસ આણંદના ૮૦ ફૂટ રોડ ઉપર આવેલાં સરદાર પટેલ બેંક્વેટ હોલ ખાતે બીપીનભાઈ પટેલ (વકીલ) પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. અપક્ષ ઉમેદવાર બિપીનભાઈ પટેલનું ફોર્મ આણંદ નગરપાલિકાના ચૂંટણી અધિકારી જે.સી.દલાલે કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે સ્વીકાર્યું હતું.

બીજી તરફ કોઈ જ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા ન હોવાથી પાર્ટી આગેવાનો અને સમર્થકોમાં ચૂંટણી કાઉન્ટડાઉનની ઉત્તેજના પ્રસરેલી છે. જાેકે, મુખ્ય રાજકીય પક્ષોના આગેવાન કાર્યકરોમાં કેટલાંક ઉમેદવારી ફોર્મ લઈ ગયાં હોવાથી પક્ષીય રાજકારણમાં આંતરિક હૂંસાતુંસીનો માહોલ ઊભો થયો છે. આ વખતે આમ આદમી પાર્ટી દ્વારા પણ આણંદ પાલિકા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોવાના અહેવાલ છે.

અપક્ષ ઉમેદવારી કરનાર પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને અગ્રણી રાજકીય આગેવાન બિપીનભાઈ પટેલે (વકીલ) આણંદમાં સત્તા પરિવર્તનની આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આણંદમાં સત્તા પરિવર્તન થશે અને આ વખતે અપક્ષોની સત્તા આવશે. આણંદ નગરપાલિકામાં ભાજપને સત્તાના સિંહાસને બેસાડનાર આગેવાને હાલ ભાજપ વિરુદ્ધ જંગનું એલાન કરી દીધું છે. ફાઇટ ફોર રાઇટ અને રાઇટ ફોર ફાઇટના સૂત્ર સાથે ભાજપ નેતાગીરીની પડકાર ફેંક્યો હતો.