વડોદરા, તા.૩

કોરોના જેવી મહામારીમાં માનવતા નેવે મુકી મોટો ભ્રષ્ટાચાર કરનારા ૭૦ જેટલા તલાટીઓ સામે પોલીસ ફરિયાદથી માંડી ગેરરીતિ કરવા બદલ અન્ય જિલ્લામાં બદલી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી પાસે પરવાનગી અને વિનંતી કરવામાં આવી છે. વારંવાર મૂછોએ તાવ દેતાં રાજકારણીના પીઠબળથી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા રાજકીય મોરચે જામી છે. જ્યારે સરપંચો અને ગ્રામ્યજનો તલાટીઓ પ્રત્યે તિરસ્કારની લાગણી વ્યાપી છે.

વાઘોડિયા તાલુકાને બોરી બામણીનું ખેતર સમજી બેફામ ભ્રષ્ટાચાર કરનારા તલાટીઓની હવે ખેર નથી. ટીડીઓ તરીકે પ્રામાણિક મહિલા અધિકારીએ ચલાવેલી લાંબી તપાસમાં ૭૦ ઉપરાંત તલાટીઓએ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ કરી હોવાનું બહાર આવતાં મોટાભાગના સામે પોલીસ ફરિયાદ નોંધાવા માટેની તૈયારી ટીડીઓએ શરૂ કરી છે. કોઈની પણ શેહશરમ કે દબાણમાં આવ્યા વિના ગ્રામ્યજનોના હિતમાં હંમેશાં પ્રામાણિકતાથી કામ કરતાં મહિલા તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલિયાએ જિલ્લા વિકાસ અધિકારી પાસે ર૮ જેટલા તલાટીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની મંજૂરી માગી છે. જ્યારે ૪પ ઉપરાંત તલાટીઓ સામે ગેરશિસ્તના પગલાં લેવા રજૂઆત કરી છે.

હજુ તો માત્ર પ્રાથમિક અહેવાલમાં જ તલાટીઓની નાણાકીય હયગય અને ગેરરીતિ બહાર આવી છે. આ મામલાની ઊંડી તપાસ થાય તો કરોડો રૂપિયાનો થયેલો ભ્રષ્ટાચાર બહાર આવે એમ છે. ટીડીઓના પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે કે, કોવિડ-૧૯ દરમિયાન ગ્રામ્ય પંચાયતો દ્વારા કરવામાં આવેલા ખર્ચામાં અનિયમિતતા અને ગેરરીતિના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. ગ્રામ્ય પંચાયતોની દફતરની ચકાસણી દરમિયાન મોટાભાગની ગ્રામ્ય પંચાયતોએ સ્વભંડોળમાંથી સત્તા નહીં હોવા છતાં ખૂબ મોટી રકમનો ખર્ચ તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી વિના કર્યો હતો.

મોટાભાગના તલાટીઓએ નિધિ એન્ટરપ્રાઈઝ અને રોયલ એન્ટરપ્રાઈઝ પાસેથી સેનિટાઈઝર અને હેન્ડગ્લોવ્ઝની ખરીદીના ખોટા બિલો મૂકી મોટી નાણાકીય ઉચાપત કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જ બહાર આવ્યું છે. નિયમ પ્રમાણે તો પાંચ હજારથી ઉપરના તમામ ખર્ચમાં ટીડીઓની મંજૂરી જરૂરી હોય છે. પરિણામે ટીડીઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં હજારથી ઉપરની રકમના તમામ ખર્ચ કરાયા હોય તો તેનો હિસાબ અને વિગતો તેમજ પાસબુકની નકલ સહિત લેખિતમાં ખુલાસો માટે તમામ તલાટીઓને જણાવ્યું હતું. પરિણામે કોરોનાના નામે થયેલા ભ્રષ્ટાચારની વિગતો બહાર આવી જશે એવા ડરથી તલાટીઓ ગભરાયા હતા અને ગલ્લાંતલ્લાં કરી ઉપજાવી કાઢેલો સ્વબચાવ રજૂ કર્યો હતો, જેને ટીડીઓએ ગ્રાહ્ય રાખ્યો નથી.

મહત્ત્વની વાત તો એ છે કે અગાઉ ૭મી જાન્યુઆરીએ મળેલી સામાન્યસભા દરમિયાન જાહેરમાં ચર્ચા થઈ હતી. તાલુકા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યએ ખુદ ટીડીઓને તટસ્થ તપાસ કરવા માટેની સૂચના આપી હતી. ત્યાર બાદ થયેલી પ્રાથમિક તપાસમાં કરમાલિયાપુરા, જાબવાડા, અંટોલી પંચાયતની મુલાકાત દરમિયાન મોટી ઉચાપત રર લાખની થઈ હોવાનું ટીડીઓના ધ્યાન ઉપર આવ્યું હતું. જેમાં નિધિ એન્ટરપ્રાઈઝ અને રોયલ એન્ટરપ્રાઈઝમાંથી તમામ ખરીદી થઈ હતી. આવા ર૮ તલાટીઓ સામે પોલીસ ફરિયાદની મંજૂરી માગવામાં આવી છે.

જ્યારે અન્ય ૪પ જેટલા તલાટી કમ મંત્રીઓ દ્વારા ૧૫મા નાણાપંચની કામગીરી, નરેગા શૌચાલયની કામગીરી, વિકાસના કામો, એટીવીટી આયોજન મંડળની ગ્રાન્ટ, જિલ્લા પંચાયત સદસ્યની ગ્રાન્ટ, જમીન મહેસૂલ, શિક્ષણ ઉપકર, વસૂલાત તેમજ પંચાયત વેરા વસૂલાતની નબળી વસૂલાત આ તમામ પ્રકારની કામગીરીમાં ગંભીર નિષ્કાળજી અને ઉદાસીનતા દાખવી છે. મિટિંગો દરમિયાન વારંવાર જરૂરી સૂચનાઓ આપવા છતાં કામગીરીમાં સુધારો નહીં કરી શકતાં ૪પ જેટલા તલાટીઓને અન્ય તાલુકામાં બદલીની વિનંતી કરાઈ છે.

પ્રામાણિક ટીડીઓને જાે બદલાશે તો વાઘોડિયામાં આંદોલન ફાટી નીકળશે

વાધોડિયા તાલુકાના કેટલાક ગામોના સરપંચો અને ઉપસંરપંચો તેમજ કેટલાક ગ્રામજનોએ પણ બપોરે વડોદરા જિલ્લા પંચાયતની કચેરીએ આવીને તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયાના સમર્થનમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, નિષ્પક્ષ, નિડર અને પ્રામાણિક તાલુકા વિકાસ અધિકારીની કોઈપણ સંજાેગોમાં બદલી થવી જાેઈએ નહી.વડોદરા જિલ્લાના પ્રથમ ટીડીઓએ આમારી ત્રી દિવસીય મીટીંગ યોજીને ગામનો વિકાસ અને સ્માર્ટ ગામ બનાવવા સમજુતી આપી તેમજ અમારા તમામ પ્રશ્નોને સાંભળીને નિરાકરણ લાવવા હંમેશા તત્પર રહે છે.તાલુકામાં અનેક ગેરકાયદે બાંધકામો અંગેની અરજી સીએમ અને પીએમ પોર્ટલ પર કરવા છતા નિરાકરણ લાવતુ ન હતુ.પરંતુ ગામ અને તાલુકામાં ગેરકાયદે દબાણો દૂર થતા વર્ષો જૂની ટ્રાફીકની સમસ્યાનુ નિરાકણ આવ્યુ છે. ત્યારે તેમની કોઈપણ સંજાેગોમાં બદલી કરવામાં આવે નહી તેવી માંગ કરી છે.ઉપરાંત આવેદન પત્રમાં એમ પણ જણાવ્યુ હતુ કે,તાલુકા વિકાસ અધિકારીએ આસપાસ આવેલી કંપનીઓ થકી એમ.ઓ.યુ. કરીને અમારા ગામોને આર્થિક મદદ કરીને લોકફાળો અપાવ્યો છે.હાલ તાલુકા અને ગામોને વિકાસશીલ બનાવવા નિષ્પક્ષ અને તટસ્થ અધિકારીની જરૂર છે અને આવા અધિકારી ૩૦ વર્ષ બાદ મળ્યા છે. ત્યારે તેમની બદલી નહી કરવા અને જાે કરાશે તો તાલુકાના તમામ સરપંચો અને ગ્રામજનો ભુખ હડતાળ કરી આંદોલન કરવાની ચીમકી આપી હતી.

તાલુકા વિકાસ અધિકારી સામે તલાટીઓ કમ મંત્રીઓએ મોરચો માંડ્યો

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નવા આવેલા મહિલા ટીડીઓ ફરી એકવાર વિવાદમાં સપડાયેલા છે. તેમની સામે તેમના તાબા હેઠળના તલાટીઓએ મોરચો માંડતા વાધોડિયા તાલુકાના તલાટીઓ જિલ્લા પંચાયતની કચેરીએ આવી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. વાઘોડિયા તાલુકાના તલાટીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના પ્રમુખ સમક્ષ આવેદન પત્ર આપી કરેલ રજૂઆતમાં જણાવાયુ હતુ કે, તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયા અમારી પાસે કામ માંગે તેનો વાંધો નથી. પરંતુ તેઓ જાહેરમાં અપમાનિત કરી માનસિક રીતે હેરાન કરી રહ્યા છે. જેથી હવે આ ત્રાસ અમારા થી સહન થતો નથી. તેઓ પંદર દિવસથી મીટીંગો લેતા હોવાથી અમે ગામમાં જઈ શકતા નથી.અને જેથી સપરંચો સાથે ધર્ષણ થાય છે.તલાટીઓએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે, રજાના દિવસે પણ અમને કચેરીમાં બોલાવવામાં આવે છે અને કોઈપણ જાતની કામગીરી ની ચર્ચા કર્યા વગર કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે. તેવો આક્ષેપ પણ કર્યો હતો.

૨૮ તલાટીઓએ સામૂહિક કૌભાંડ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ થશે

રર લાખ જેટલી રકમની ઉચાપત કરનાર અને પોલીસ ફરિયાદ બાદ ઝડપાયેલા તલાટી અભિષેક સામેની એફઆઈઆરમાં જ અન્ય ર૮ તલાટીઓને સમાવી એમના નામ એફઆઈઆરમાં દાખલ કરવાની મંજૂરી ડીડીઓ પાસે તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલિયાએ માગી છે. ભ્રષ્ટ તલાટી અભિષેકની પત્ની નિધિ એન્ટરપ્રાઈઝ અને નજીકના સગાની રોયલ એન્ટરપ્રાઈઝ દર્શન મહેતા પાસેથી જ આ ર૮ તલાટીઓએ ખોટી ખરીદી બતાવી બિલો મેળવી સામૂહિક કૌભાંડ આચર્યું હતું.

ભ્રષ્ટ તલાટી અભિષેકે પત્નીના નામે નિધિ એન્ટરપ્રાઈઝ ઊભી કરી

ભ્રષ્ટ તલાટી અભિષેક મહેતાએ પત્ની નિધિના નામે નિધિ એન્ટરપ્રાઈઝ નામની બિલબુક છપાવી હતી જેમાં જીએસટી નંબર પણ ન હતો અને સરનામું પણ તલાટીના ઘરનું જ આપ્યું હતું. જ્યારે રોયલ એન્ટરપ્રાઈઝ નજીકના સગા દર્શન મહેતાના નામે ઊભી કરાઈ હતી અને પોતે તો ખોટા બિલો બનાવ્યા, પરંતુ અન્ય ર૮ તલાટીઓને પણ આપ્યા હોવાથી આ બિલ મુકનાર દરેક તલાટી સામે પોલીસ ફરિયાદ થશે.

કૌભાંડી તલાટી કમ મંત્રી અભિષેક મહેતાને હાલોલ-વડોદરા રોડ પરથી પોલીસે દબોચી લીધો

જિલ્લામાં ચકચાર મચાવનાર વાઘોડિયા તાલુકાના જાંબુવાડા, અંટોલી અને કરમાલીયાપુરા ગ્રામ પંચાયતોના સરપંચો પાસેથી બ્લેન્ક ચેક લઈ રૂા.૨૧.૮૫ લાખની ઉચાપતના આરોપમાં તલાટી કમ મંત્રી અભિષેક ભરત કુમાર મહેતા (રહે. બાપોદ)ની ધરપકડ થઈ છે. આખરે ૧૬ દિવસ સુધી ધરપકડથી બચવા ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો. જે બાદ ડીવાયએસપી કલ્પેશ સોલંકીને મજબૂત બાતમી મળતાં વાઘોડિયા પોલીસને એલર્ટ કરી હતી. આજે સાંજના હાલોલ-વડોદરા રોડ પરથી જરોદ તરફ આવતા જાેર્ડન કંપની પાસે ખાનગી વાહનમાં જતાં તલાટી કમ મંત્રીને વાઘોડિયા પોલીસે દબોચી લીઘો હતો. વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને ત્રણ ગ્રામ પંચાયતોના રોજમેળમાં સરકારી નાણાંની ઉચાપત સામે આવતાં અભિષેક પાસે ખુલાસો માગ્યો હતો. જાે કે ૧૬ ફેબ્રુઆરીથી તે ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો. પોલીસને કૌભાંડી તલાટી કમ મંત્રીએ નાકમાં દમ કરતા પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવતાં તેમના પર માછલાં ધોવાયાં હતાં. અભિષેક મહેતાને હાલોલ-વડોદરા રોડ પરથી જરોદની જાેર્ડ કંપની પાસેથી ઝડપી વાઘોડિયા પોલીસ મથકે લાવ્યો હોવાની વિગતો પોલીસે આપી હતી. નિધિ અને રોયલ નામની પોતાની પત્ની અને નજીકના સગાના નામે બોગસ એજન્સી ઊભી કરી ત્રણ પંચાયતો જ નહિ અન્ય ૫૦ જેટલી પંચાયતોના તલાટી કમ મંત્રીઓએ ગ્રામ પંચાયતના ચેકો આપી સાથે મળીને આયોજનપૂર્વક નાણાકીય હયગય તાલુકા વિકાસ અધિકારીના ધ્યાને આવી છે.