આણંદ, તા.૧૮ 

આણંદ જિલ્લા પંચાયત સંકુલમાં ધોળા દહાડે પણ સ્ટ્રીટલાઈટ ચાલું રખાતાં સ્થાનિક તંત્રની બેદરકારી ઉજાગર થવા પામી છે. છેલ્લાં કેટલાંક દિવસથી જિલ્લા પંચાયત કંપાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટો બપોર સુધી ચાલું રહે છે. જેને બંધ કરવા માટે તંત્રને જરાય ફુરસદ મળતી નથી.

તંત્રની આળસના કારણે દિવસે પણ સ્ટ્રીટ લાઇટો જગમગતી જાેવાં મળે છે. આર્થિક બોજાે પ્રજા પર પડી રહ્યો છે. એટલું જ નહિ જિલ્લા પંચાયતના અદ્યતન મકાનમાં તીસરી આંખ અર્થાત સીસીટીવી કેમેરા પણ કેટલીક જગ્યાએ તૂટી ગયાં છે. આ મામલે પણ જવાબદાર તંત્ર આળસ દાખવી રહ્યું છે. કચેરીમાં આવતાં અરજદારોમાં પણ તંત્રની બેદરકારી જાેઈને હસતાં હસતાં કહે છે, કોના બાપની દિવાળી? તંત્ર દ્વારા પ્રજાનાં પૈસાનો દુરઉપયોગ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. જાગૃત નાગરિકોનું કહેવું છે કે, શું તંત્ર દ્વારા આ લાઇટો ચાલું બંધ કરવા માટેનો ટાઈમર લગાવવામાં આવ્યું નથી? જવાબદાર તંત્ર તાકીદે આળસ ખંખેરી પ્રજાના પૈસાનો થતો દુરઉપયોગ અટકાવે તેવી જાગૃત નાગરિકોની માગણી છે.