ભરૂચ,  અતિ સૂક્ષ્મ પણ માનવ સમુદાય માટે ભયંકર દાનવ કહી શકાય તેવા કોરોના સમુદાયના કોવિડ-૧૯ વાયરસે વર્ષ ૨૦૨૦ દરમિયાન પોતાનો કહેર વરસાવ્યો હતો. એકબીજાના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય છે તેવા ભયથી માનવતાને બચાવવા સરકારે ચૂસ્તપણે લોકડાઉન, કરફ્યુ સહિતના પગલાં ભર્યા હતા. જેમાં આંશિક સફળતા પણ મળી હતી. છેલ્લા એક વર્ષથી કોરોના વેકસીનના આગમનની લોકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. જેમાં ખાસ કરીને કોરોના ચેપગ્રસ્ત અને તેના સંપર્કમાં આવેલ પરિવારજનો આ વેકસીન ક્યારે આવશે અને લોકોને બચાવશે તેવી આશા રાખી બેઠા હતા. ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાની વેક્સિનનું બુધવારની રાત્રે આગમન થઇ ગયું હતું. જિલ્લાના વિવિધ કેન્દ્ર પર વેક્સિનનો જથ્થો પહોંચાડયા બાદ આજે શનિવારે જિલ્લામાં ત્રણ સ્થળે પ્રથમ તબક્કાના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી. ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં પણ ગત શનિવારના રોજ સવારે વેકસીનેશન કાર્યક્રમની શરૂઆત ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલ અને કલેક્ટર એમ.ડી.મોડીયાનાં અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, “કોરોના મહામારીની સામે લડતા લડતા લોકોના જીવ બચાવતા કેટલાય તબીબો અને તબીબી આલમના કર્મચારીઓએ પોતાના દેહનું બલિદાન આપ્યું છે. એવા તમામ તબીબો અને કર્મચારીઓને હું નતમસ્તક વંદન કરું છું, અને શ્રધ્ધાંજલિ પાઠવું છું. હવે દેશના વૈજ્ઞાનિકોએ અને ડૉક્ટરોએ કોરોના સામે લડવા માટે વેક્સિનની શોધ કરી લીધી છે, ત્યારે આ પ્રસંગે હું તમામનો આભાર માનું છું.” ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, કલેક્ટર એમ.ડી.મોડીયા, આઈ.એમ.એ. પ્રેસિડેન્ટ ડૉ.દુષ્યંત વરિયા, સિવિલના સી.ડી.એમ.ઓ એસ.આર.પટેલ, મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડન્ટ બી.બી. પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગર પાલિકાના પૂર્વ પ્રમુખ દક્ષાબેન પટેલે વેકસીનેશન કાર્યક્રમમાં હાજરી આપી હતી. બુધવારની રાત્રે રાજ્ય સરકારમાંથી ૧૨,૪૦૦ જેટલો વેક્સિનનો જથ્થો આવી ગયો છે. આજે પ્રથમ તબક્કામાં જિલ્લાભરના આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલાં કર્મીઓને વેક્સિનેશન આપવામાં આવનાર છે. ત્યારે વેક્સિનેશન માટે જિલ્લામાં ૭ કેેન્દ્ર તૈૈયાર કરવામાં આવ્યાં છે. જે પૈકી શનિવારે ૩ કેન્દ્ર ખાતે ૧૫૯ આરોગ્ય કર્મીઓનેે વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી. ભરૂચ સિવિલ હોસ્પિટલ, વાગરા તાલુકામાં સી.એચ.સી. ખાતે તેમજ આમોદ તાલુકામાં માતર ગામે વેક્સિનેશનનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો.  

બીજી તરફ સોસિયલ મીડિયા ઉપર કોરોના વેકસીનને લઈ ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું હતું. જેમાં ખાસ કરીને ભરૂચના નેતાઓ અને અધિકારીઓ ઉદ્‌ઘાટન કરવા ટેવાયેલા છે અને તેઓ જ્યારે કોરોના વેકસીન આવી ચૂકી છે તો તેઓએ પોતે અને પોતાના પરિવારજનોને રસીના ડોઝ અપાવી લોકોને સૂચિત કરવા જાેઈએ કે આ વેકસીનથી શારીરિક કોઈ આડ અસર કે નુકશાન થતું નથી. નેતાઓ અને અધિકારીઓ કોરોના વેકસીનનો ડોઝ પોતે લઈ વેકસીનને લઈ ફેલાયેલી અફવાઓ બંધ થાય તેવું એક ઉદાહરણ પૂરું પાડે તેવી લોકચર્ચાઓએ જાેર પકડ્યું છે. ભરૂચના જાણીતા તબીબ ડૉ. ગૌતમ પટેલ અને ડૉ. ભાવના શેઠ, ડૉ. વનરાજ મહિડા તેમજ ડૉ. દુષ્યંત વરિયાએ પોતાના ઉપર વેકસીન મુકાવી વેકસીન અંગે લોકોને જાગૃત કરવા કોશિશ કરી હતી. આવનાર સમયે કોઈને આ વેકસીનથી નુકશાન થશે કે ફાયદો તે સમયાંતરે જાણવા મળશે પણ હાલ આ લખાય છે ત્યાં સુધી ૧૫૯ આરોગ્ય કર્મીઓને વેકસીનના ટીકાથી કોઈ આડ અસર નોંધાઈ હોય તેવી માહિતી મળી નથી.