લોકસત્તા ડેસ્ક

વર્ષ 2020માં કોરોના કાળ વચ્ચે પણ હોલીવુડમાં અમુક સ્કેન્ડલ થયા જે હંમેશા યાદ રહેશે.

કેટલેગો મેબો અને નિકિતા મુરે 

કેટલેકો મેબોની પત્નીએ જ્યારે તેના પર લગ્નેતર સંબંધનો સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા આરોપ મુકયો ત્યારે લોકો ચોંકી ઉઠયા હતા.વીડિયોમાં મેબોની પત્નીએ તેના પર તેને જાતીય રોગનો ચેપ લગાડવાનો આરોપ પણ મુકયો હતો જ્યારે મેબોએ નિકિતા મુરે સાથે સંબંધ હોવાનું કબૂલ કર્યું હતું. આ સ્કેન્ડલને કારણે મેબોને એક્સપ્રેસો મોર્નિંગ શો અને આઉટસ્યોરન્સમાંથી પડતો મુકવામાં આવ્યો હતો. 

એલેન ડજેનેરેસના ખરાબ વર્તનને કારણે ચાહકો રોષે ભરાયા 

એલેન ડજેનેરેસના કર્મચારીઓએ તેના પર રંગભેદનો આરોપ મુકતા તે લોકોના રોષનો ભોગ બની હતી. લોકોને હસાવનારી આ કોમેડિયન પર તેના કર્મચારીઓએ વેતન અને કામના સમય બાબતે તેમની સાથે ભેદભાવ થતો હોવાની ફરિયાદ કરતા એલેન ઝંખવાણી પડી ગઈ હતી અને પછીથી તેણે પોતાના કર્મચારીઓની માફી પણ માગી લીધી હતી. 

પ્રિન્સ હેરી અને મેગન માર્કલે શાહી જીવન છોડી દીધું 

માર્ચમાં શાહી કપલે સત્તાવાર રીતે પોતાની શાહી ફરજો છોડી દેતા તેમણે સસેક્સના ડયુક અને ડચેસ તરીકેની પદવી પણ ગુમાવી હતી. તેમણે જાહેર કર્યું કે તેઓ અમેરિકામાં શાહી જીવનથી દૂર સામાન્ય જીવન વીતાવશે. તેમના દરેક પગલાએ સોશિયલ મીડિયા પર વ્યસ્ત રાખ્યા હતા. જો કે રાણી એલિઝાબેથે બંને જણને ટેકો આપ્યો હતો અને આ બાબતે એક નિવેદન પણ પછીથી જાહેર કર્યું હતું. 

એકાએ કાસ્પર નાયોવેસ્ટના માતા-પિતાનું ટ્વીટર પર અપમાન કર્યું 

એકા અને કાસ્પર વચ્ચે હમેંશા અણબનાવ રહ્યો હતો પણ માર્ચમાં એકાએ બોક્સિંગ મેચના સંદર્ભમાં કાસ્પરના માતાપિતાને સોશિયલ મીડિયા પર અપશબ્દો કહીને માઝા મુકી હતી. 

ક્રિસ એવાન્સની ભૂલ 

કેપ્ટન અમેરિકાના સ્ટાર ક્રિસ એવાન્સ જેને લોકો લાડથી ક્રિસ્ટોપર જમાલ એવાન્સ તરીકે સંબોધે છે, તેણે ભૂલથી સોશિયલ મીડિયા પર અંગત તસવીર પોસ્ટ કરીને પછી ઉતાવળે ડિલીટ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો.