તિરુવનંતપુરમ્‌-

કેરળમાં ઝીકા વાયરસે કહેર મચાવ્યો છે. ઝીકા વાયરસના ક્લસ્ટરને ઓળખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે વધુ પાંચ નવા કેસ સામે આવ્યા છે. પાંચ મહિલાઓને ઝીકા વાયરસનું સંક્રમણ થયું હોવાનું જણાયું છે અને આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા ૨૮ પર પહોંચી ગઈ છે. સામે આવેલા પાંચ કેસ પૈકી બે લોકો અનાયારાના રહેવાસી છે જ્યાં આ રોગચાળાનું ક્લસ્ટર મળ્યું છે, તેમ રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું. તમામ લોકોના સેમ્પ્લનું પરિક્ષણ આલાપુઝા સ્થિત નેશનલ વાઈરોલોજી ઈન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવ્યા હતા.

ખાનગી હોસ્પિટલ દ્વારા ચાર સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ એક સેમ્પલ આરોગ્ય વિભાગે લીધું હતું. બીજીતરફ અન્ય ૧૬ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ઝીકા વાયરસના કુલ ૨૮ કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે ગઈકાલે જણાવ્યું હતું કે અનાયારા પાસે ત્રણ કિલોમીટરના રેડિયસમાં ઝીકા વાયરસનું ક્લસ્ટર મળી આવ્યું છે. આ વિસ્તારમાં મચ્છરોના નિકંદન માટેના પગલાં હાથ ધરાયા છે જેથી રોગચાળો વધુ ફેલાતો અટકાવી શકાય તેમ મંત્રીએ જણાવ્યું હતું. જિલ્લા મેડિકલ કચેરી ખાચે કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. કેરળ પાટનગર કોચીમાં અત્યાર સુધીમાં ઝીકાના ૨૩ જેટલા કેસ સામે આવ્યા છે.