નડિયાદ : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે શરદપૂનમે કોરોના મહામારી વચ્ચે રાજાધિરાજ રણછોડરાયના દર્શન માટે ૧-૧ કિમીની લાઇનો પડી હતી. કોરોના કાળના સાત મહિના પછી રણછોડના દરબારમાં ભક્તોનો પ્રવાહ ઉમટ્યો હતો. ભક્તોની સંખ્યા વધી જતાં વહીવટી તંત્રને દર્શન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બંધ કરવાની ફરજ પડી હતી. ઓનલાઇન રજિસ્ટ્રેશનના ફરજિયાત નિયમને કારણે દર્શનાર્થીઓને નિયંત્રિત કરવા પોલીસ અને મંદિર મેનેજમેન્ટ માટે મુશ્કેલ બની ગયું હતું.  

સૂત્રોના જણાવ્યાં મુજબ, દર્શનાર્થીઓની ભીડ જામતાં પોલીસને દર્શન માટે લાગેલી કતારોને મેનેજ કરતાં નાકે દમ આવી ગયો હતો. ત્યારે બીજી બાજુ ડાકોરમાં દર્શનાર્થીઓને ભગવાનના દર્શન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવવા માટે એજન્ટો ફૂટી નીકળ્યાં હતાં. અમુક ભક્તોએ કહ્યું હતું કે, ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે તેમની પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા વસૂલવામાં આવતાં હતાં. આખરે તંત્રએ લોકોની ભીડને જાેતાં ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરીને દર્શનાર્થીઓને સીધા જ મંદિરમાં દર્શન માટે જવા દીધાં હતાં.

પોલીસ માટે ટ્રાફિક નિયમન કરવું પણ બની ગયું હતું. ડાકોર એકથી દોઢ કિલોમીટર દૂર સુધીની કતાર જાેવાં મળી રહી હતી. દર્શનાર્થીઓની દર્શન માટેની ઉત્સુક્તાને લીધે તંત્રએ નિયમોમાં ઢીલ આપવી પડી હતી. યાત્રિકોનો રોષ અને ધસારો અસહ્ય બનતાં જિલ્લા વહીવટી તંત્રની ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાતનો ર્નિણય બદલવો પડ્યો હતો. યાત્રિકોને કોરોનાની સરકારી ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરવાની છૂટ આપવામાં આવી હતી.

ઓનલાઇન રજિસ્ટ્રેશનના નિયમને કારણે તા.૩૦ના રોજ ઓછા ઋદ્ધાળુંઓ દર્શન કરી શક્યાં

ચાલુ માસે મંદિરના પંચાંગ મુજબ ૩૦ ઓક્ટોબરે પૂનમ ઉજવાઈ હતી, જ્યારે અન્ય પંચાંગ મુજબ વ્રતની પૂનમ ૩૧ ઓક્ટોબર ના રોજ ગણાઈ હતી. ડાકોરમાં પૂનમ દર્શન માટે જિલ્લા વહીવટી તંત્ર ,પોલીસ વિભાગ અને મંદિર મેનેજમેન્ટ તંત્રએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી જ દર્શન કરી શકાશે, તેવો નિયમ જાહેર કર્યો હતો. પરિણામે તા.૩૦ ઓક્ટોબરના રોજ ૬૦૦૦થી પણ ઓછા શ્રદ્ધાળુંઓ દર્શન કરી શક્યાં હતાં.

વેપારીઓ માટે મુશ્કેલી સર્જતાં આડબંધ બપોર પછી ખોલાયાં

બીજી તરફ બોડાણા સર્કલ પાસે યાત્રિકોને ટ્રાફિક નિયંત્રણ માટે રાખવામાં આવેલાં આડબંધ વેપારીઓની રોજીરોટી છીનવનારો બની રહ્યો હતો. આ આડબંધના કારણે સ્થાનિક જનતા અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતે પણ બપોર બાદ પોલીસ તંત્ર ઢીલું પડ્યું હતું અને આડબંધ ખોલી દીધો હતો. જાેકે, કોઈ અઘટિત ઘટના ન બની હોવાના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે એજન્ટો ફૂટી નીકળ્યાં!

સરકારી તંત્રની કોરોનાની ગાઇડલાઇનના નિયમ પાલનની કડક અમલવારીને ઓનલાઇન રજિસ્ટ્રેશનના પગલે દર્શનાર્થીઓ રોષે ભરાયાં હતાં. દર્શન માટે કેટલાંક લોકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી આપવા માટેની દુકાન પણ ખોલી દીધી હતી. અમુક ભક્તોનું કહેવું છે કે, વ્યક્તિ દીઠ રજિસ્ટ્રેશનના ૧૦થી ૨૦ રૂપિયા વસૂલવામાં આવતાં હતાં. જાેકે, અંતે તંત્ર દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરીને ડાયરેક્ટ મંદિરમાં દર્શન કરવા દેવાનો ર્નિણય કરવામાં આવતાં દર્શનાર્થીઓને દર્શન કરવામાં સરળતા રહી હતી.