વડોદરા, તા. ૧૯

મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલ ફરી એક વાર વિવાદનું કારણ બની છે. દર્દીઓના સગાંને રહેવા માટે આશરો મળે તે હેતુથી બનાવવામાં આવેલા રેનબસેરામાં નાણાં ઉઘરાવવાની ફરિયાદ સામે આવતાં લોકસત્તા - જનસત્તા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં ચારથી પાંચ જેટલા અસામાજિક તત્વો દ્વારા દર્દીઓના સગાં પાસેથી એક દિવસના બસો રૂપિયા ઉધરાવવામાં આવતાં હોવાની માહિતી સપાટી પર આળી છે. દર્દીઓના સગાંઆનું કહેવું છે કે, જાે કોઈ પૈસા ન આપે તો તેને માર મારીને ત્યાંથી ભગાડી દેવામાં આવે છે. આવો જ એક કિસ્સો ગત રાત્રીએ બન્યો હતો. જ્યાં એક યુવક પાસેથી બસો રૂપિયાની ઉઘરાણી કરતાં તેણે આપવાની ના પાડતાં અમુક ગુંડા જેવાં તત્વોએ ભેગા થઈનેે એક યુવકને માર મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાેકે, આ પ્રકારની ઘટનાઓ સયાજી હોસ્પિટલમાં અગાઉ પણ બની હોવાની વાત સત્તાધીશોએ પણ કબૂલી છે ત્યારે આ ગુંડારાજ પર ક્યારે રોક લગાવવામાં આવશે? ગત રાત્રે કડક બજાર વિસ્તારમાં રહેતો પચીસ વર્ષિય સરફરાજ સલીમભાઈ કળગથરા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યો હતો. ઓપીડીના સમય સુધી પહોંચી ન શક્યો હોવાના કારણે તેને રાત્રી રોકાણ રેનબસેરામાં કરવાનું વિચાર્યું હતું, જેથી તે રાત્રે આઠ વાગે ત્યાં પહોંચ્યો હતો. જ્યાં અસામાજિક તત્વો દ્વારા ‘તારે અહીંયા રહેવું હોય તો બસો રૂપિયા આપવા પડશે’ તેમ જણાવ્યું હતું, જેથી સરફરાજે નાણાં આપવાની ના પાડતા એક રવિ નામ ના યુવક તેમજ તેની પત્ની દ્વારા કડાં તેમજ અન્ય સખત વસ્તુથી માર મારવામાં આવ્યો હતો. તેણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા રાવપુરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ભોગ બનનારને માથાના ભાગમાં ઈજાઓ થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડતા તેને ચાર ટાંકા આવ્યા હતા.

વારંવાર ઘટનાઓ છતાં ઉકેલના નામે માત્ર પ્રશ્નાર્થ!

હોસ્પીટલના સત્તાધીશ સાથે વાતચિત્ત દરમ્યાન ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારની ઘટના અગાઉ પણ બની હતી ત્યારે કડક કાર્યવાહી બાદ તે અટકી ગઈ હતી પરતું ફરીથી આ પ્રકારનો બનાવ બનતા તંત્ર નિદ્રાધીન અવસ્થામાં જાેવા મળ્યું હતું. જાેકે આ બાબતે ત્યાં હાજર કર્મચારીઓને પૂછતા તેમને જણાવ્યું હતુ કે થોડા દિવસથી રવિ નામના યુવકની ગૂંડાગીરી ખૂબ વધી ગઈ છે જાે અહીંયા પણ એક સિક્યોરીટી ગાર્ડની નિમણૂક થાય તો આ પ્રકારની ઘટના ન બને જેથી લોકસત્તા – જનસત્તાએ ત્યાંના સિક્યોરીટી ગાર્ડને આ બાબતે પૂછતા તેમને જણાવ્યું હતુ કે, આ તેમનો પોઈન્ટ નથી તેમનો પોઈન્ટ વોર્ડની અંદર છે.

મજબૂર દર્દીઓના સ્વજનો પાસે બેફામ ઉઘરાણાં કરતા આ ગુંડાઓ કોણ?

હોસ્પિટલ પરીસરમાં જ બેફામ બનેલા અસામાજીક તત્વો ખૂલ્લેઆમ દર્દીઓના સગાં પાસેથી ઉઘરાણાં કરવાના અગાઉ પણ બનાવ બન્યા હોવાની ઘટના સામે આવી છે ત્યારે આ ગુંડાઓ સામે પોલીસ કાર્યવાહી કેમ થતી નથી શું આ ગુંડાઓ પોલીસના મતિયાઓ છે તેવો સવાલ લોકોમાં ઉદ્‌ભવેલો જાેવા મળ્યો હતો.

રેનબસેરાનો હેતુ નિષ્ફળ ગયો

સયાજી હોસ્પિટલમાં અન્ય રાજ્યોમાંથી તેમજ દૂર ગામડાં માંથી પણ લોકો સારવાર માટે આવતા હોય છે ત્યારે દર્દીઓના સગાં માટે રહેવાની સગવડ ન હોવાથી રેનબસેરાં બનાવવામાં આવ્યુ હતું, પરતું ત્યાં દર્દીઓના સગાંને જ અસામાજીક તત્વો ટાર્ગેટ બનાવીને નાણાં પડાવતા હોવાની તેમજ ચોરી થવાના બનાવની ઘટના સામે આવતા રેનબસેરાં બનાવવાનો હેતુ સયાજી હોસ્પિટલના પરિસરમાં નિષ્ફળ નિવડ્યો હતો.

હોસ્પિટલ સત્તાધીશ બનાવ બાબતે શું બોલ્યા?

સયાજી હોસ્પિટલના આર.એમ.ઓ.દેવસી હૈલયાએ જણાવ્યું હતંુ કે, આ પ્રકારની ઘટના અગાઉ પણ બે વાર બની હતી, જેથી અમારા દ્વારા રાવપૂરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવીને સખત કાર્યવાહી કરવામાં આવી હતી તે સમય દરમ્યાન આ પ્રકારની ગેરરિતી બંઘ થઈ ગઈ હતી. હાલ આ બનાવની જાણ લોકસત્તા – જનસત્તાના માધ્યમથી જાણવા મળી જેથી હું તાત્કાલિક તપાસ હાથ ધરીને યોગ્ય પગલાં લેવા બાબતે ધ્યાન દોરીશ તેમ જણાવ્યંુ હતું.