ડીસા : ડીસા માર્કેટયાર્ડમાં છેલ્લાં એક સપ્તાહમાં ૨.૩૧ લાખ બોરીની આવક નોધાઇ છે તેમજ સરેરાશ ભાવ ૮૫૦ થી ૧૦૮૦ નોધાઇ રહ્યો છે. જીલ્લામાં ચાલુ વર્ષે ૧.૩૨ લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું જેની સામે ઉત્પાદન પણ મબલખ પ્રમાણમાં મળી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવાનુ રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે અને અત્યાર સુધી જીલ્લામાં અનેક ખેડૂતોએ રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે.  

જો કે ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ થાય તે પહેલા માર્કેટયાર્ડોમાં પણ ઢગલાબંધ મગફળીની આવક જોવા મળી રહી છે. એક બાજુ ખરીફ સીઝનની કામગીરી ચાલુ છે ત્યારે બીજી તરફ રવિ સીઝનની વાવણી માટેની પણ ખેડૂતોએ તૈયારી કરતા ખરીફ સીઝનનો તૈયાર થયેલો પાક માર્કેટયાર્ડોમાં ભરાવી તેમાંથી રવી સીઝનની વાવણી થતી હોવાને લઇ ખેડૂતો ટેકાના ભાવ લેવાના બદલે ખુલ્લા માર્કેટયાર્ડમાં જે તે ભાવે વેચાણ કરવાની ફરજ પડી રહી છે. ઉત્તર ગુજરાતમાં મગફળીનું હબ ગણાતા ડીસા પંથકમાં મગફળી લેવાની કામગીરી પુરજોશમાં ચાલતા ડીસા માર્કેટયાર્ડમાં પણ મગફળીની બમ્પર આવક નોંધાઇ છે.

ડીસા યાર્ડમાં છેલ્લાં એક સપ્તાહમાં ૨,૩૧,૨૪૮ બોરીની આવક નોધાઇ છે. સરકાર દ્વારા મગફળીનો ટેકાનો ભાવ રૂપિયા ૧૦૫૫ જાહેર કરવામાં આવ્યો છે જેની સામે ડીસા માર્કેટયાર્ડમાં પ્રતિ મણ (૨૦ કિલો) મગફળીનો ભાવ રૂપિયા ૮૫૦ થી ૧૦૮૦ મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.ગુજરાત સરકાર દ્વારા મગફળીનો ટેકાનો ભાવ રૂપિયા ૧૦૫૫ ના જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં મગફળીની આવક પુરજોશમાં ચાલી રહી છે તેમજ ભાવ પણ સારો મળી રહ્યો છે. ડીસા યાર્ડમાં છેલ્લાં એક સપ્તાહમાં ૨.૩૧ લાખ બોરીની આવક સામે સરેરાશ રૂપિયા ૮૫૦ થી ૧૦૮૦ સુધીનો સારો ભાવ, સાચો તોલ અને રોકડા નાણાં મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તેમ સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું.