અમદાવાદ, કોરોના સામે ગુજરાતનાં વધુ એક બાહોશ સનદી અધિકારીએ દમ તોડ્યો છે. ગુજરાત કેડરનાં આઇએએસ ઓફિસર ડો. ગુરુપ્રસાદ મહાપાત્રાનું કોરોનાને કારણે નિધન થયું છે. તેઓ લાંબી સારવાર બાદ કોરોના સામેનો જંગ હારી ગયા હતા.  ગુજરાત કેડરના સિનિયર આઇએએસ અધિકારી ડો. ગુરુપ્રસાદ મહાપાત્રા કોરોનાથી સંક્રમિત થયા હતા. જેના કારણે તેઓને છેલ્લાં દોઢ માસથી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ હતા. લાંબા સમયથી તેઓ કોમામાં હતા. શનિવારે વહેલી સવારે તેમણે કોરોના સામેની જંગ હારીને અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી આઇએએસ અધિકારીઓમાં ભારે ગમગીની છવાઈ છે. ડો.મહાપાત્રા ૧૯૮૬ ની બેચનાં  ગુજરાત કેડરના આઇએએસ અધિકારી હતા. તેમણે રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. છેલ્લાં લાંબા સમયથી તેઓ ડેપ્યુટેશન પર કોમર્સ વિભાગનાં સેક્રેટરી હતા. તેમણે અગાઉ એરપોર્ટ ઓથોરિટીનાં ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. સિનિયર આઇએએસ અધિકારી  ડો.મહાપાત્રા  વહીવટી તંત્રમાં અસરકારક કામગીરી માટે જાણીતા હતા. ડૉ. ગુરુપ્રસાદ મહાપાત્રા સિનિયર આઇએએસ અધિકારી હોવાથી ગુજરાતના મુખ્યસચિવના પદની રેસમાં  તેમનું નામ ચર્ચામાં હતુ. પરંતુ આ અંગે સરકાર દ્વારા વધુ ચર્ચા કરવામાં આવે તે અગાઉ જ જ તેમણે દમ તોડ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ ડૉ. ગુરુપ્રસાદ મહાપાત્રાના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.રૂપાણીએ  જણાવ્યું હતું કે,  મહાપાત્રાના અવસાનથી એક સંનિષ્ઠ અધિકારી આપણે ગુમાવ્યાં છે.

ગુરુપ્રસાદ મહાપાત્રની સેવાઓ સુરત માટે અવિસ્મરણીય

સુરત મ્યુનિસિપલ કમિશનર પદે ચાર્જ લીધાના પહેલા જ દિવસે ગુરુપ્રસાદ મહાપાત્ર સુરતના ભૌગોલિક સીમાઓને નિરીક્ષણ કરવા નીકળી પડ્યા હતા. સાંજના છેડે પોતાની ચેમ્બરમાં પત્રકાર મિલન સમારોહમાં તેમણે સુરત માટે કહ્યું કે આ શહેર જબરજસ્ત પ્રગતિ સાધી છે અને ભવિષ્યમાં ભારતના વિકસિત શહેરોમાં અગ્રક્રમે બિરાજશે.આજથી ૧૮ વર્ષ પહેલાંની આ વાત સો ટચના સોનાની જેમ સાર્થક નીવડે છે. સુરત શહેરના લોકોએ જે રીતે સૂર્ય દેવરા રાવ અને જગદીશન જેવા નામે અધિકારીઓને માન મરતબો અને રિસ્પેક્ટ આપ્યા એટલું જ માન ગુરુપ્રસાદ મહાપાત્રને પણ આપ્યું.સુરતની સ્મીમેર મેડિકલ હોસ્પિટલ હોય કે હાલનો કેનાલ કોરિડોર હોય, આવા અનેક પ્રોજેક્ટ સુરતીઓ માટે સુવિધા સંપન્ન બન્યા છે એ મહાપાત્રની જ કુનેહ અને આભારી છે. સુરતના અનેક પેચીદા પ્રશ્નનોનું સમાધાન મહાપાત્ર એવી રીતે લાવતા એ જાણે કોઈ પ્રશ્ન જ ન હોય સુરત મ્યુનિસિપલ કમિશનર પદેથી બદલી થયા પછી પણ તેમણે સુરત સાથે નાતો તોડયો તોડ્યો નહીં.૨૦૦૬ ની રેલ દરમિયાન તેમને ખાસ સુરત મૂકવામાં આવ્યા. ગણતરીના દિવસો નહીં પણ ગણતરીના કલાકોમાં તેમણે સુરતને નીટ એન્ડ ક્લીન કરવા માટે દિવસ રાત ઓન ફિલ્ડ જાેવા મળ્યા. એ પછી પણ જ્યારે કેન્દ્રમાં મોદી સરકારે તેમને એરપોર્ટ ઓથોરિટીના અધિકારી બનાવ્યા ત્યારે તેમણે સુરત એરપોર્ટના ડેવલોપમેન્ટ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં અને નીતિવિષયક કામો કર્યા છે.જેના કારણે સુરત એરપોર્ટ પર એક ફ્લાઇટની અવરજવર થતી ત્યાં આજે પ્રતિ કલાકે ફ્લાઇટ લેન્ડ અને ટેક ઓફ થાય છે.