ગાંધીનગર રાજ્યમાં પ્રવર્તી રહેલ ‘તૌકતે’ વાવાઝોડાની પરિસ્થિતીને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર ઝીરો કેઝયુલિટીના સંકલ્પ સાથે અસરકારક કામગીરી કરી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના સંભવિત ૧૮ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી બે લાખથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ જે જિલ્લામાં સ્થળાંતર કરાયુ છે. તેમાં અમદાવાદ જિલ્લામાં ૧૮૩૯ નાગરિકો, અમરેલીમાં ૧૯,૩૬૮, આણંદમાં ૬૯૪, ભરૂચમાં ૨૮૦૫, ભાવનગરમાં ૨૮,૩૩૪, દેવભૂમિ દ્વારકામાં ૧૨,૩૧૯, ગીર સોમનાથમાં ૩૨,૨૫૦, જામનગરમાં ૨૫૧૫, જૂનાગઢમાં ૨૪,૩૧૩, કચ્છમાં ૩૨,૮૦૬, રાજકોટમાં ૬૯૧૫, મોરબીમાં ૨૭૬૬, નવસારીમાં ૧૧૧૪, પોરબંદરમાં ૨૫,૧૪૯, સુરતમાં ૧૩૭૨, વલસાડમાં ૨૪૧૭, બોટાદમાં ૨૮૯૨ અને ખેડામાં ૫૯૦ મળી કુલ ૨,૦૦,૪૫૮ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રિમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ‘તૌકતે’ સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે સાંજે ૫ઃ૩૦ કલાકે દક્ષિણપૂર્વ દીવથી ૮૦ કિ.મી. દૂર સ્થિત છે. ‘તૌકતે’ વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં ૧૭ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે ગુજરાતનાં પોરબંદર અને મહુવાની વચ્ચે થઈને ગુજરાતમાં રાત્રિના ૮.૦૦ થી ૧૧.૦૦ કલાક દરમિયાન ૧૫૫ થી ૧૬૫ કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ ૧૮૫ કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ ૧૫૫ થી ૧૬૫ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સમગ્ર તંત્રને સજ્જ રહેવા આદેશ કર્યો

ગાંધીનગર ગુજરાત ઉપર આવનારા સંભવિત વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર, કચ્છના સમુદ્રી વિસ્તારના જિલ્લા કલેકટરો સહિતના જિલ્લાઓ સાથે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ કરીને તંત્રવાહકોની સજ્જતાને આખરી ઓપ આપ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણી સોમવારે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમ પહોચ્યા હતા અને મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ઊર્જાના અધિક મુખ્ય સચિવ સૂનયના તોમર સહિત આરોગ્ય, માર્ગ મકાન, શહેરી વિકાસ, એનડીઆરએફ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગઇકાલ સાંજ બાદની વાવાઝોડાની સ્થિતીની તલસ્પર્શી સમીક્ષા હાથ ધરી હતી.મુખ્યમંત્રીએ કરેલી આ સમીક્ષા અને સંભવિત વાવાઝોડાની વિપદાને પહોચી વળવાના રાજ્ય સરકારના પ્લાનિંગ ઇન એડવાન્સ-પ્લાનિંગ ઇન ડિટેઇલની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાઇ વાવાઝોડું આજે સોમવારે રાત્રે ૮ વાગ્યા આસપાસ તીવ્રતા સાથે ગુજરાત ઉપર, ત્રાટકવાની સંભાવના છે. રાજ્ય સરકારે આ વાવાઝોડામાં કોઇ જાનહાનિ ન થાય તેવા ‘ઝીરો કેઝયુઆલિટી’ અભિગમ સાથે દરિયાકાંઠાના જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, જામનગર, દ્વારકા, વલસાડ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં દરિયાકાંઠે વસેલા તેમજ કાચા મકાનોમાં, નદી કિનારે વસતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની કામગીરી વેગવાન બનાવી છે અને દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે, તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

વાવાઝોડાની કામગીરીના અધિકારીઓ સાથે બેઠક

અમદાવાદ જિલ્લામાં ‘તૌકતે’ વાવાઝોડાની સંભવિત અસરને ખાળવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે જિલ્લાના ધોલેરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે વાવાઝોડા સંદર્ભેની કામગીરી સાથે જાેડાયેલા અધિકારીઓ સાથે બેઠક કરી હતી તેમજ સ્થળ નિરીક્ષણ કરીને સ્થળાંતર અને બચાવ કામગીરીમાં કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા માટેની સૂચના પણ આપી હતી. ગુજરાતમાં આવી રહેલા ‘તૌકતે’ વાવાઝોડાને લઈને સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર કામે લાગ્યું છે. આ વાવાઝોડાની અસર અમદાવાદ જિલ્લાના ધોલેરા સ્થિત ૧૦ કિ.મી.ના દરિયાકાંઠામાં થવાની સંભાવના જાેવામાં આવી રહી છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડ ઉપર કામગીરી કરી રહ્યું છે. વાવાઝોડાની અસરથી બચવા અને તે માટેના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ ધોલેરા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્થળ ઉપર પહોંચીને જાત નિરિક્ષણ કર્યું હતુ. ધોલેરાની મુલાકાત દરમિયાન તેઓએ જ્યાં સૌથી વધુ અસર પડનારી છે તેવા રાહતળાવ ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ગામની મુલાકાત લીધા બાદ વાવાઝોડાની કામગીરીમાં જાેડાયેલા તમામ અધિકારીઓ, એન.ડી.આર.એફની ટીમ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને તમામ તકેદારીના પગલા ભરવા સંદર્ભે પરામર્શ કર્યો હતો. આ ઉપરાંત ધોલેરામાં સંભવિત વાવાઝોડાથી અસર થનાર તમામ પરિબળો સંલગ્ન ચર્ચા કરીને બચાવ કામગીરી અને તે માટેની સાધન સામગ્રીની પણ સમીક્ષા કરી હતી. કોરોનાની સ્થિતિને લઇને વાવાઝોડાની સંભંવિત અસર પામનાર ગામડાઓના ગ્રામજનોને આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરાવવાની કામગીરી અંગેનો ચિતાર મેળવ્યો હતો.

કોવિડ-૧૯ અને વાવાઝોડાને લઈને આરોગ્ય કર્મીઓની રજા ઉપર પ્રતિબંધ મુકાયો

આવા કપરા સમયમા આરોગ્ય વિભાગ હેઠળના જુદા જુદા વર્ગ-૧ થી વર્ગ-૪ સુધીના સંવર્ગો જેવા કે તજજ્ઞો, તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને વર્ગ-૪ ના કર્મચારીઓ તેમની જુદી જુદી માંગણીઓ કરી હડતાલ ઉપર જઇ રહયા છે. જ્યારે કેટલાક કર્મચારીઓ દ્વારા હડતાલ ઉપર જવાની ચીમકી આપીને માનવીય સેવામાં વિક્ષેપ ઉભો કરવાનો પ્રયાસ કરાય રહ્યો છે, આરોગ્ય વિભાગની આવશ્યક આરોગ્ય સેવાઓ નાગરિકોને સત્વરે મળી રહે તે માટે આરોગ્ય વિભાગના વર્ગ-૧ થી વર્ગ-૪ ના સંવર્ગના તજજ્ઞો, તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને વર્ગ-૪ ના કર્મચારીઓ, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત સેવાઓ આપતા તમામ વ્યકિતઓ તથા અન્ય તમામ કે જેઓ કોવિડ-૧૯ની તથા અન્ય જાહેર આરોગ્ય સેવા સાથે સંકળાયેલા છે. તેઓ દ્વારા આરોગ્ય સેવાઓ વિક્ષેપ વગર આપવાની રહેશે. આ માટે કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ફોરેસ્ટની ૨૬૨ અને માર્ગ મકાન વિભાગની ૨૬૨ ટીમો પણ તહેનાત કરવામાં આવી

ગુજરાતનાં દરિયા કિનારે ‘તૌકતે’ વાવાઝોડું ટકરાવવાનું છે જે અંગે રાજ્યના મહેદુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યુ છે કે, આ વાવાઝોડું મહુવા અને ઉનાની વચ્ચે ટકરાશે, વાવાઝોડાની ૧૮૦ થી ૧૯૦ કિમીની ઝડપથી ત્રાટકી શકે છે. વાવાઝોડા બાદની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ ૫૪ ટીમો તહેનાત કરાઈ છે. અંદાજે દોઢ લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા છે. ગુજરાતના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે ‘તૌકતે’ વાવાઝોડું સંભવતઃ આજે મોડી સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી શકયતા છે. આ વાવાઝોડું દિવથી ૨૦ કિમી પૂર્વમાં સ્થિર થઈને મહુવા તથા ઉનાની વચ્ચેના વિસ્તારમાં ટકરાવાની શક્યતા છે. અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યુ હતું કે, આ વાવાઝોડાને લઈને આજે બપોર સુધીમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં કિનારાથી ૧૦ કિમી સુધીના વિસ્તારમાં રહેતા આશરે ૧.૫૦ લાખ નાગરિકોનું ૯૩૦ જેટલાં શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાવાયું છે.

૨૪૭ એમ્બ્યુલન્સ અલગ અલગ જિલ્લામાં ફાળવવામાં આવી

તૌકતે વાવાઝોડાને લઈને સરકારી દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડુ આજે સાંજ સુધીમાં પહોચી જાય તેવી પુરી શક્યતાઓ છે ત્યારે એનડીઆરએફની ટીમ અને એસબીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી છે અલગ અલગ જીલ્લાઓમાં પણ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. ત્યારે ઈમરજન્સી ૧૦૮ સેવા પણ તૌકતે વાવાઝોડાને લઈને સ્ટેન્ડ બાય છે. અલગ અલગ જીલ્લાઓમાં ૨૭૪ જેટલી ૧૦૮ ઈમરજન્સી સેવા અને એમ્યુલન્સ તૈનાત રાખવામાં આવી છે. જેમાં ૯૧ જેટલી એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્યુલન્સ અલગ અલગ જીલ્લાઓમાં ફાળવવામાં આવી છે. તૌકતે વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયાકિનારો કચ્છ, દ્વારકા અને ગીરસોમનાથ જેવા વિસ્તારોને વધારે અસર કરવાનો છે ત્યારે ૧૦૮ ઈમરજન્સી એમ્યુલન્સ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ફાળવવામાં આવી છે.

અમદાવાદમાં પવન અને વરસાદ કોર્પોરેશન દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો

અમદાવાદમાં તૌકતે વાવાઝોડાની અસર ગઈકાલ રાતથી જ દેખાવ લાગી છે આજે સવારે પણ વાતાવરણ વાદળછાયું હતું અને પવન સાથે અલગ અલગ વિસાત્રોમાં વરસાદ પડ્યો હતો તૌકતે હજી ગુજરાતને ટકરાયું નથી ત્યારે હાજી તેની અસર દેખાવ લાગી છે આજે રાતે તૌકતે વાવાઝોડું ગુજરાત પહોંચશે તેને લઈને હવામાન વિભાગ તરફથી બુલેટિન જાહેર કરવામાં આવી રહ્યુ છે હાલમાં કોર્પોરેશન તરફ થી પણ અલગ અલગ વૉર્ડ મા કન્ટ્રોલ રમ શરૂ કરવામાં આવ્યા છે સાથે સાથે કેવા સાવચેતીના પગલાં લેવા તેની પણ જાહેરાત કરવામાં આવી રહી છે ટોરેન્ટ પાવર ઘ્વારા પણ સાવચેતીના પગલાં લેવા મા આવી રહયા છે યુ.જી વી સી એલ અને પી.જી વી સી એલ ઘ્વારા પણ વાયરિંગ નું કામ પણ કરવામાં આવી રહ્યું છે .

સોલા સિવિલ હોસ્પિટલમાં ૨ અલગ વૉર્ડ શરૂ

તૌકતે ની સંભાવના ને લઈને સોલા સિવિલ પ્રશાંશન એ અલગ ૨ વૉર્ડ શરૂ કર્યા છે ૪૦ પથારીના ૨ વૉર્ડ અલગ થી શરૂ કરવામાં આવ્યા છે અમદાવાદ જિલ્લા કલેક્ટરની સૂચનાથી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અલગ ૪૦ પથારીની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા તેમજ શહેરમાં તૌકતેના સંભવિત વાવાઝોડાની અસરથી જાનમાલને હાનિ ન પહોંચે અથવા કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્ત બને ત્યારે તેને તાત્કાલિક સારવાર મળી રહે. તેની અગમચેતીના ભાગરૂપે આ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેની સૂચના થી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. પીના સોની દ્વારા ટ્રોમા સેન્ટરમાં અલગ બે વોર્ડ કાર્યરત કરાવવામાં આવ્યા છે. જેમાં ૪૦ પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે.તાત્કાલિક સારવાર કેન્દ્રમાં સંભવિત અસરગ્રસ્તોને તમામ પ્રકારની આકસ્મિક સારવાર મળી રહે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને તૌકતે વાવાઝોડાના આગોતરા આયોજનના ભાગરૂપે કોરોનાની તમામ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન થાય તેનું ધ્યાન રાખીને સમગ્ર વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

૪૪ એનડીઆરએફની ટીમો તહેનાત કરાઈ

રાજ્યમાં ‘તૌકતે’ વાવાઝોડા સંદર્ભે રાહત અને બચાવ કામગીરી માટે સંભવિત અસરગ્રસ્ત ૨૦ જિલ્લાઓમાં એનડીઆરએફની ૪૪ ટીમો તૈનાત કરી દેવાઇ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર રાજ્યના જે ૨૦ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરાઇ છે. જેમાં વલસાડ જિલ્લામાં બે, નવસારીમાં એક, સુરતમાં બે, ભરૂચમાં બે, આણંદમાં બે, ખેડામાં એક, અમદાવાદમાં બે, બોટાદમાં એક, ભાવનગરમાં ચાર, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, જૂનાગઢમાં ત્રણ, પોરબંદરમાં ત્રણ, દ્વારકામાં બે, જામનગરમાં બે, રાજકોટમાં બે, મોરબીમાં બે, સુરેન્દ્રનગરમાં બે, કચ્છમાં એક, ગાંધીનગરમાં એક ટીમ મળી કુલ ૪૪ ટીમો તૈનાત કરાઇ છે.