બાલાસિનોર, તા.૧૮

તાલુકા મથક બાલાસિનોર સહિત મહિસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે, જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જાેેવા મળી રહ્યો છે. શનિવારે જિલ્લામાં ૧૯ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું હતું. આ ૧૯ કેસમાં બાલાસિનોર નગરમાં એકસાથે ૧૦ પોઝિટિવ કેસ મળી આવ્યાં હતાં, જ્યારે જિલ્લા મથક લુણાવાડામાં ૬, વિરપુર - કડાણા અને સંતરામપુરમાં ૧-૧ કેસ મળી આવ્યો હતો. આ સાથે જિલ્લામાં સંક્રમિતનો આંકડો ૨૪૫ પર પહોંચી ગયો છે.

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતમાં જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર મક્કમતાથી લડત આપીને કોરોનાને અટકાવવા અનેક કોશિશ કરી રહ્યાં છે. કોરોના વાઇરસે મહિસાગર જિલ્લાને બાનમાં લીધો હોય તેમ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. આરોગ્ય તંત્ર પણ લાચાર બન્યું હોય તેવું જણાઈ રહ્યું છે. આજે મહિસાગર જિલ્લામાં એક સાથે ૧૯ પોઝિટિવ કેસ મળી આવતાં સમગ્ર જિલ્લા સહિત બાલાસિનોર નગરના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

બાલાસિનોરમાં જનતા કરફ્યૂ છે કે નહીં!? 

બાલાસિનોરમાં મોટાભાગના એસોસિએશન દ્વારા બાલાસિનોર મામલતદારને ૩ દિવસના જનતા કરફ્યૂ માટે આવેદન આપવામાં આવ્યું હતું. તા.૧૮થી ૨૦ સુધી જનતા કરફ્યૂનો અમલ કરી વેપાર-ધંધા બંધ રાખવા બાલાસિનોરના મોટાભાગના એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, જાેકે, આ જનતા કરફ્યૂનો કેટલાંક વેપારીઓ દ્વારા વિરોધ કરી બજાર ખોલી દેવામાં આવ્યા હતાં. બાલાસિનોર તાલુકા મથકે રોજબરોજની ચીજ વસ્તુઓ ખરીદવા માટે બહારગામથી આવતાં ખરીદારોની આજે હાજરી નહિવત જાેવાં મળી હતી.

કન્ટેઇનમેન્ટ ઝોનમાં રોજેરોજ વધારો!

છેલ્લાં ચાર દિવસથી કોરોના સંક્રમિત દર્દીઓની ગતિમાં વધારો થઈ રહ્યો છે, જેને પગલે નગરના કન્ટેઇનમેન્ટ ઝોન પણ વધી રહ્યાં છે. નગરમાંં ધરીયા વાળ, તિરગર વાસ, ઈન્દિરા નગરી, વિરપુર રોડ જેવાં નવાં વિસ્તારોનો સમાવેશ કરી કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આજે નોંધાયેલાં કેસ

લુણાવાડા -  ૦૬

બાલાસિનોર - ૧૦

કડાણા -  ૦૧

સંતરામપુર -  ૦૧

વિરપુર -  ૦૧