ગાંધીનગર-

રાજ્યમાં પરીક્ષા યોજવામાં રાજ્ય સરકાર ભલે નાપાસ થયેલી હોય. પરંતુ ભારત સરકાર દ્વારા સ્કૂલ શિક્ષણ વ્યવસ્થામાં પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્ષ-પીજીઆઇમાં વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષ માટે ગુજરાતને એ+ ગ્રેડ આપવામાં આવ્યો છે.

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશના દરેક રાજ્યોની સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાના જાહેર કરેલા પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્ષ –પીજીઆઇમાં ર૦૧૯-ર૦ના વર્ષ માટે ગુજરાતે એ+ ગ્રેડ મેળવ્યો છે.ગુજરાતને આ સફળતા અપાવવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના શિક્ષણ વિભાગને સુદ્રઢ આયોજન અને સમગ્ર શિક્ષક આલમને સફળ અમલીકરણ માટે અભિનંદન પાઠવ્યા છે.કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ ૭૦ જેટલા પેરામિટર્સના આધારે રાજ્યોનું મૂલ્યાંકન કરીને આ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્ષ જાહેર કરવામાં આવે છે. ગુજરાતે આ ગ્રેડિંગમાં અધ્યયન નિષ્પતિ અને ગુણવત્તા, પ્રવેશ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ક્ષમતા સહિતના ઇન્ડિકેટર્સમાં કુલ ૮૮૪ ગુણાંક મેળવીને આ એ+ ગ્રેડ મેળવ્યો છે.