વલસાડ-

બગવાડા નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર કારમાં પોતાના ઘરેથી પરત થઈ રહેલા વાપી જીઆઈડીસી માં ફરજ બજાવતા પોલીસ કર્મીની કારને આતરી અન્ય સ્કોર્પિયો કારમાં આવેલા ૧૦ થી ૧૨ અજાણ્યા ઈસમોએ પાઇપ અને લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો. આ ઉપરાંત પિસ્તોલ તાકીને પોલીસકર્મી અને તેના ભાઈને બંધક બનાવી અન્ય કારમાં બેસાડી હુમલાવરો સલવાવ ખાતે છોડી ભાગી ગયા હતા. પોલીસકર્મીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અચાનક બનેલી આ ઘટનાથી પોલીસ બેડામાં ચકચાર મચી છે. વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા ઇન્દ્રજીત સિંહ મધુબા ગોહિલને પથરીનો દુઃખાવો હોવાથી છેલ્લા કેટલાક દિવસથી નોકરી ઉપર સીક લીવ મૂકી પોતાના વતન ભાવનગર ગયા હતા.

ગુરૂવારે તેમના ભાઈ કુલદીપ સિંહ સાથે વાપી પરત થઈ રહ્યા હતા, ત્યારે તેમની સ્કોર્પિયો કારની પાછળ અન્ય ત્રણ સ્કોર્પિયો કાર પીછો કરી પારડીથી બગવાડા ટોલ નાકા સુધી દોડી અને તેમની કારને રોકી અન્ય ત્રણ સ્કોર્પિયોમાં આવેલા ૧૦ થી ૧૨ અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. ૧૦ થી વધુ લોકો તેમના ઉપર લાકડી અને સળિયા લઈ તૂટી પડ્યા હતા તેમને બચાવવા ઉતરેલા તેમના ભાઈને પણ અજાણ્યા ઈસમોએ માર મારીને પિસ્તોલ જેવું હથિયાર બતાવીને બંન્નેને બાનમાં લીધા હતા. તેમની કારને પણ નુકસાન પોહચાડ્યું હતું અને બંન્નેને હથિયાર બતાવીને અન્ય એક સ્કોર્પિયો કારમાં બેસાડી લઈ સલવાવ તરફ લઈ જઈ ત્યાં ફેંકીને જતા રહ્યા હતા.

આ ઘટનામાં બન્નેને સળિયા અને લાકડા વડે માર માર્યો હતો. પોલીસકર્મી અને તેના ભાઈને હાથ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર બાબતે પારડી પોલીસમાં ભોગ બનનારે ફરિયાદ આપતા પોલીસે ૧૦ થી ૧૨ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.વલસાડ ડીવાયએસપી એમ. એન ચાવડાના જણાવ્યા મુજબ પોલીસ ઉપર હુમલો કરનારા ૧૦ થી ૧૨ ઈસમોની પોલીસ તપાસ પૂર્ણતાને આરે છે અને ટૂંક સમયમાં જ તમામ આરોપીને ઝડપી પાડવામાં આવશે.