દિલ્હી-

પંજાબમાં કૃષિ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ભારતીય રેલ્વેને આના કારણે ખરાબ અસર થઈ છે. મળતી માહિતી મુજબ પંજાબમાં 32 સ્થળોએ રેલ્વે પાટા ઉપર ખેડૂતોના વિરોધને પગલે રેલવેને આશરે 1,200 કરોડનું નુકસાન થયું છે.

એક અધિકારીએ કહ્યું કે, "વિરોધીઓના પ્લેટફોર્મ અથવા રેલ્વે ટ્રેક નજીક ધરણા ચાલું છે, જેના કારણે લગભગ 1,200 કરોડનું નુકસાન થાય છે. ઓપરેશનલ અને સલામતીની ચિંતાને કારણે ટ્રેનોની અવરજવર બંધ છે. વિરોધીઓએ અચાનક કેટલીક ટ્રેનોને રોકી હતી અને જુદા જુદા સ્થળોએ ખાસ કરીને જાંડિઆલા, નાભા, તલવંડી સાબો અને બટિંડાની આસપાસ છૂટાછવાયા નાકાબંધી ચાલુ રાખ્યા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે, "પંજાબમાં રેલ્વે ટ્રેકના કેટલાક ભાગોમાં નાકાબંધીના કારણે માલ ગાડીઓની અવરજવર અને કૃષિ, ઉદ્યોગ અને માળખાગત સુવિધાઓથી સંબંધિત વિસ્તાર માટે આવશ્યક માલની ઉપલબ્ધતા પર પ્રતિકૂળ અસર પડી છે." રેલવે પ્રધાન પિયુષ ગોયલે પંજાબના મુખ્ય પ્રધાનને પત્ર લખીને ટ્રેનો ફરી શરૂ કરતા પહેલા રેલ્વે ટ્રેક અને ઓપરેટિંગ કર્મચારીઓની સલામતીની ખાતરી આપવાની માંગ કરી હતી.

રેલ્વેના આંકડા મુજબ, પ્રદર્શનના કારણે નાકાબંધી થવાને કારણે જરૂરી માલસામાનવાળી 2,225 થી વધુ માલગાડીઓનું સંચાલન થઈ શક્યું નથી. લગભગ 1,350 માલગાડીઓ રદ કરવી પડી હતી અથવા તેમના રૂટ્સ ડાયવર્ટ થયા હતા.