વડોદરા

દોડકા પાસે આવેલા પેટ્રોલપંપ પાસેથી ગત મોડી સાંજે બાતમીના આધારે ભાદરવા પોલીસે એક ટ્રકને ઝડપી પાડી હતી અને તેમાં ચેન્નાઈ ખાતે સંભવિત કતલખાને લઈ જવા માટે ક્રુરતાપુર્વક બાંધેલા ૧૮૦ ઘેટા-બકરાને બચાવી લઈ તમામ પશુઓને પાંજરાપોળમાં મોકલ્યા હતા. પોલીસે ટ્રકમાં પશુઓ ભરાવનારની અટકાયત કરી તેની પાસેથી કુલ ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ભાદરવા પોલીસને ગઈ કાલે જાગૃત નાગરીકે જાણ કરી હતી કે જીજે-૩૧-ટી-૨૮૬૫ નંબરના ટ્રક પરમીટ વિના ઘેટાબકરા ભરીને દોડકા પાસેના રિલાયન્સ પેટ્રોલપંપ પાસેથી પસાર થઈ રહ્યો છે. આ જાણકારીના પગલે ભાદરવા પોલીસની ટીમે તુરંત દોડકા ખાતે પહોંચીને ઉક્ત નંબરના ટ્રકને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમા પાટીયાના પાર્ટીશન કરીને ઉપર-નીચેના ભાગે ક્રુરતાપુર્વક તેમજ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના ભરેલા ઘેટા-બકરા ભરેલા નજરે ચઢ્યા હતા જેથી પોલીસે ટ્રકને ભાદરવા પોલીસ મથકે લઈ આવી હતી.

પોલીસે ટ્રકમાંથી ખીચોખીચ ભરેલા ૮.૦૫ લાખની કિંમતના કુલ ૧૬૧ બકરા અને ૧.૯૫ લાખની કિંમતના ૩૯ ઘેટાને બહાર કઢાવી મુક્ત કરાવ્યા હતા. પશુઓના હેરફેર માટે પાસ પરમીટ ન હોઈ પોલીસે ૧૦ લાખના પશુઓ અને ટ્રક સહિત કુલ ૨૦ લાખની મત્તા કબજે કરી ટ્રકચાલક સોએબ ઈબ્રાહીમ ઝાઝ (દુગ્ગરવાડા રોડ,મોડાસા) તેમજ પશુઓનો માલિક અને તેને રાજય બહાર મોકલનાર પ્રમોદ કનૈયાલાલ દાયમા (અજમેર) તેમજ ટ્રકમાલિક સોએબમહંમદ એહમદહુસેન ટીન્ટોયા (બાગે ફિરદોસ, મોડાસા) સામે ગુનો નોંધી ટ્રકચાલકની અટકાયત કરી હતી. પોલીસે તમામ પશુઓને સાચવણી માટે શ્રી વડોદરા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.