લોકસત્તા વિશેષ : શહેરના જાણીતા બિલ્ડર જશભાઈ રમણભાઈ પટેલે થોડા સમય અગાઉ કોર્પોરેશનના તાજેતરમાં સસ્પેન્ડે થયેલા અધિકારી મહેશ પરનામી સાથે મેળાપીપણું કરી યુએલસીમાં ફાજલ ગયેલી જમીન પોતાની માલિકીની દર્શાવી રૂપિયા ૩૦ લાખનું ફુલેકું ફેરવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. યુએલસીમાં ફાજલ ગયેલી જમીનની માલિકી કલેકટરની એટલેકે સરકારની હોવા છતાં જશભાઈ રમણભાઈ પટેલે પોતાની માલિકી દર્શાવી બોગસ પુરાવા સાથે તેનું વળતર મેળવ્યું હતું. આ સમગ્ર ઘટના સામે આવતા કોર્પોરેશન દ્વારા આ મામલે બિલ્ડર જશભાઈ રમણભાઈ પટેલ સહિતના આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. 

આ અંગે પ્રાપ્ત જાણકારી અનુસાર સમા રેવન્યુ સર્વે નંબર ૪૧ની ૧૨૮૪૯ ચો.મી. જમીન યુએલસી એક્ટ હેઠળ ફાજલ જાહેર કરવામાં આવી હતી. આ જમીનમાં એક યુનિટ જમીન એટલેકે ૧૫૦૦ ચો.મી. જમીન મેળવવા માટે જમીન માલિક જશભાઈ રમણભાઈ પટેલ દ્વારા પ્રક્રિયા કરવામાં આવી હતી. પરંતુ ૧૩ ડિસેમ્બર ૧૯૯૩ના રોજ જશભાઈ રમણભાઈ પટેલ દ્વારા સ્વૈચ્છિક જાહેરાત કરાઈ હતીકે તેઓને મળવા પાત્ર ૧૫૦૦ ચો.મી. જમીન હવે જાેઈતી નથી.

પરંતુ જે જમીનની માલિકી સરકારની હતી તે જમીન પોતાની માલિકીની પુરવાર કરવા માટે તેઓે દ્વારા ૨ જુલાઈ ૨૦૦૭ના રોજ અધિક કલેકટર (સંકલન) સમક્ષ અરજી કરી ૧૭ ઓગષ્ટ ૨૦૦૭ના રોજ ખોટી રીતે ના-વાંધા પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હતું. ખોટી રીતે મેળવવામાં આવેલા ના વાંધા પ્રમાણપત્રની ૭-૧૨ના ઉતારામાં નોંધ કરવા માટેની પ્રક્રિયા કરી જમીન નામે કરવાનો ખેલ પણ કરાયો હતો પરંતુનસરકારે આવી પ્રક્રિયા સામે મનાઈ ફરમાવી હોઈ આ નોંધ નામંજુર કરવામાં આવી હતી.

દરમ્યાન વુડા સર્કલથી સમાને જાેડતા રસ્તા માટે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા દરમ્યાન તત્કાલિન જમીન સંપાદન અધિકારી મહેશ પરનામી અને જશભાઈ રમણભાઈ પટેલે જી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ની કલમ ૭૭નો આશરો લઈ પરસ્પર સમજૂતીથી સંપાદન પ્રક્રિયા કરી હતી. જેમાં મહેશ પરનામીએ આ જમીન પેટે બારોબાર ૩૦,૨૯,૯૯૬.૨૫ રૂપિયા બિલ્ડર જશભાઈ રમણભાઈ પટેલ ને ચુકવી જમીનનો કબ્જાે લઈ રસ્તો બનાવ્યો હતો.

પરંતુ આ જમીનની માલિકી બિલ્ડર જશભાઈ રમણભાઈ પટેલની હતી જ નહીં છતાં ખોટી રીતે પુરાવા ઉભા કરી સસ્પેન્ડેડ મહેશ પરનામી સાથે ગોઠવણ કરીને કોર્પોરેશનની તિજાેરીને રૂપિયા ૩૦ લાખનો ચુનો ચોપડતા આ મામલે કોર્પોરેશન દ્વારા બિલ્ડર જશભાઈ રમણભાઈ પટેલ સામે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે.

બોલો... પાલિકાની ફરિયાદ ૬ મહિનાથી પોલીસ દાખલ કરતી નથી – સામાન્ય નાગરીકનું શું થાય?

કોર્પોરેશનના સસ્પેન્ડેડ અધિકારી મહેશ પરનામી સાથે સાંઠગાંઠ કરી સમાના બિલ્ડર જશભાઈ પટેલે કોર્પોરેશનને ચોપડેલા રૂપિયા ૩૦ લાખના ચુના માટે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ કમિશનરને ૧૧ જુલાઈ ૨૦૨૦થી અરજી કરવામાં આવી છે. પરંતુ શહેરમાં જમીનના ધંધામાં પરોક્ષ રીતે પગ જમાવી રહેલા શહેર પોલીસના કેટલાક અધિકારીઓને આ ફરિયાદ દાખલ કરવામાં કોઈ રસ નથી. ત્યારે જ્યારે કોર્પોરેશન એટલેકે સરકારની જ એક સંસ્થાની ફરિયાદ ૬ મહિનાથી દાખલ ન થતી હોય તો વડોદરા શહેર પોલીસ સામાન્ય નાગરીકોને શું ન્યાય આપશે તેની ચર્ચાએ જાેર પકડ્યું છે.

કૌભાંડ છુપાવવા કોર્પોરેશનના નામે દસ્તાવેજ ન કર્યો

સામાન્ય રીતે જમીન સંપાદનની પ્રક્રિયામાં કોર્પોરેશન કે અન્ય સરકારી સંસ્થાને કોઈ જમીનની જરૂરીયાત હોય તો તેઓએ કલેકટરને અરજી કરી પ્રક્રિયા કરવી પડતી હોય છે. જેમાં સંપાદનની રકમ સરકારી તિજાેરીમાં જમા કરાવી કલેકટર માલિકીના પુરાવા ચકાસીને વળતર ચુકવતું હોય છે. જ્યારે પરસ્પર સમજુતીના કિસ્સામાં સંપાદનની પ્રક્રિયામાં વળતરની ચુકવણી સામે જમીનનો પાક્કો દસ્તાવેજ કોર્પોરેશનના નામે કરવાનો થાય છે. આ કિસ્સામાં જીપીએમસીએક્ટની કલમ ૭૭ મુજબ પરસ્પર સમજુતી મુજબ થયેલ સંપાદનની પ્રક્રિયામાં રૂપિયા ૩૦ લાખનું વળતર ચુકવી કોર્પોરેશનના નામનો પાક્કો દસ્તાવેજ કરવાનો થાય. પરંતુ કૌભાંડ છુપાવવા માટે દસ્તાવેજ કરવાની પ્રક્રિયા પણ પુરી કરાઈ નહીં.

સરકારી જમીનની કબ્જા પાવતી પણ બનાવી આપી

યુએલસીમાં ફાજલ ગયેલી જમીન પોતાની માલિકીની નહીં હોવાનું જાણતા હોવા છતાં જશભાઈ પટેલે રસ્તામાં કપાત જતી જમીનનો કબ્જાે પોતાનો હોવાનું જણાવી તેની કબ્જા પાવતી પણ બનાવી આપી હતી. એટલું જ નહીં તે સમયે જાે દસ્તાવેજ કરવાની પ્રક્રિયા કરવાની હતી તેના બદલે તત્કાલીન ખાસ જમીન સંપાદન અધિકારી મહેશ પરનામીએ સમગ્ર સ્થાયી સમિતિની આંખમાં પણ ધૂળ નાંખી કોર્પોરેશનની રૂપિયા ૩૦ લાખનો ચૂનો ચોપડ્યો હોવાનું જાણવા મળ્યું છે.